તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 1st July 2026
અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડમાં તપાસનો વ્યાપ વિસ્તૃત: ટ્રસ્ટના હોદ્દેદારો અને બેન્ક અધિકારીઓ સહિત 70 થી વધુ લોકોને SIT દ્વારા પાઠવવામાં આવી નોટિસ
દાનની ગેરરીતિ મામલે તપાસ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચતા ખળભળાટ: શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને ટ્રસ્ટના રેકોર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ

અયોધ્યા: અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના મામલામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ અત્યંત તીવ્ર બની છે. આ ગંભીર પ્રકરણમાં તપાસ એજન્સીએ પોતાની તપાસનો વ્યાપ વધારતા મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત કુલ 70 થી 80 લોકોને પૂછપરછ માટે સત્તાવાર નોટિસ પાઠવી છે. આ કાર્યવાહી બાદ અયોધ્યાના ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
તપાસ બેન્કિંગ વ્યવસ્થા સુધી પહોંચી
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસની તપાસ માત્ર દાન પેટી અને સીસીટીવી ફૂટેજ પૂરતી સીમિત નથી રહી, પરંતુ હવે તે બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ છે. SIT એ વિવિધ સરકારી અને ખાનગી મળીને લગભગ સાતથી આઠ બેન્કોને પણ નોટિસ ફટકારી છે. આ નોટિસ દ્વારા તપાસ એજન્સીએ આરોપીઓ, ટ્રસ્ટના ખાતાઓ અને દાન સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો તેમજ બેન્ક લોકરની વિગતો તાત્કાલિક અસરથી જમા કરાવવા આદેશ આપ્યો છે. પોલીસનું માનવું છે કે, બેન્કિંગ રેકોર્ડ્સ અને ટ્રસ્ટના દસ્તાવેજોના ક્રોસ-વેરિફિકેશનથી દાનના નાણાંની હેરફેર અંગેના અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ શકે છે.
મોટા પાયે ગેરરીતિની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ મામલે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું હતું કે, અંદાજે 39 દિવસના ગાળામાં 70 થી વધુ વખત દાનની રકમમાં ગેરરીતિ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો, દાન ગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સુરક્ષામાં તૈનાત સ્ટાફની શંકાસ્પદ ભૂમિકાને પગલે SIT હવે દરેક પાસાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરવામાં આવેલા ચેટ અને કોલ રેકોર્ડ્સને રિકવર કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ પણ લેવામાં આવી રહી છે. બીજી તરફ, આ કેસની ગંભીરતાને જોતા અયોધ્યા બાર એસોસિએશને પણ ધરપકડ કરાયેલા આરોપીઓનો કેસ ન લડવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટના ટોચના હોદ્દેદારોના રાજીનામા બાદ હવે SIT ની આ વધતી જતી સક્રિયતાને કારણે આગામી દિવસોમાં વધુ મોટા ધરપકડ અને ખુલાસાઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
