તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
વોશિંગ્ટનમાં કેનેડા સરહદ પાસે સી-પ્લેન લેન્ડિંગ સમયે ખડક સાથે ટકરાતા આગ ભભૂકી ::દુર્ઘટનામાં તમામ 11 લોકોને બચાવી લેવાયા
વિમાનમાંથી મુસાફરો બહાર નીકળતા હતા ત્યારે કાળો ધુમાડો અને ભીષણ આગ ફાટી:ઘટના સમયે આકાશમાં વીજળીના કડાકા સાથે અચાનક ભારે વરસાદ પણ શરૂ થઈ ગય

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં કેનેડા સરહદ પાસે એક મોટો વિમાન અકસ્માત સર્જાયો હતો. અહીં એક ડીએચસી-3 ઓટર સી-પ્લેન પાણી પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તે દરમિયાન તે અચાનક કાબૂ ગુમાવીને ખડક સાથે અથડાઈ ગયું હતું. આ ભીષણ અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તેનો આગળનો ભાગ આંશિક રીતે પાણીમાં ડૂબી ગયો હતો.
રાહતની વાત એ છે કે સ્થાનિક નાવિકો અને તટરક્ષક દળની સમયસૂચકતાને કારણે વિમાનમાં સવાર તમામ 11 લોકોના જીવ બચી ગયા છે.
સેન જુઆન કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિની હાલત ગંભીર છે. કેટલાક મુસાફરોને માથામાં ઈજાઓ થઈ છે અને હાડકાં પણ ભાંગ્યાં છે. જોકે, શુક્રવાર સુધીમાં ઓછામાં ઓછા 5 મુસાફરોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઘટના સમયે ડેવ ઈસ્ટમેન નામના પ્રત્યક્ષદર્શી પોતાની નાની હોડી સાથે સમુદ્રમાં હાજર હતા. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે વિમાન તેમની હોડી સાથે અથડાશે, પરંતુ તે ટાપુ તરફ નીચે ઉતરવા લાગ્યું. આસપાસ હાજર 6થી 7 જેટલી નાવિકોની ટીમો તરત જ મદદે દોડી આવી હતી. વિમાનમાંથી મુસાફરો બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ તેમાં કાળો ધુમાડો અને ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે આકાશમાં વીજળીના કડાકા સાથે અચાનક ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.
વિમાન કંપનીના અધિકારીએ જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા વગર કોઈ પણ પૂર્વાનુમાન લગાવવું યોગ્ય નથી. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનઅને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ દ્વારા આ દુર્ઘટનાના સાચા કારણો જાણવા માટે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પણ આવા જ મોડેલનું એક સી-પ્લેન પ્યુજેટ સાઉન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં 10 લોકોનાં મોત થયાં હતાં.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
