<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ફાર્મા કંપનીઓની મફત ભેટો પર સિકંજો: ડોક્ટરો અને દવા કંપનીઓના સંબંધોની સમીક્ષા માટે કેન્દ્રની સમિતિ

દવા કંપનીઓની ભેટ-સોગાદો અને નાણાકીય પ્રલોભનો રોકવા સ્વૈચ્છિક કોડની કાર્યક્ષમતા ચકાસવા ઉચ્ચ-સ્તરીય પેનલની રચના

નવી દિલ્હી : દવા ઉત્પાદક કંપનીઓ દ્વારા ડોક્ટરોને અપાતી મોંઘી ભેટ-સોગાદો અને નાણાકીય પ્રલોભનો પર લગામ લગાવવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ફાર્માસ્યુટિકલ્સ માર્કેટિંગના આ સ્વૈચ્છિક કોડની અમલવારી અને તેની અસરકારકતાની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.

સરકારે આ અગત્યની કામગીરી માટે નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ પેનલમાં અન્ય બે અગ્રણી સભ્યો તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાન તેમજ જાણીતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન 'મેદાંતા'ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) ડૉ. નરેશ ત્રેહાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રસાયણો અને ખાતર મંત્રાલય હેઠળના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજના એક આદેશ મારફતે આ વિશેષ પેનલની રચના કરવામાં આવી છે. આ સમિતિ ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને ચિકિત્સકો વચ્ચેની અનૈતિક મિલિભગત અટકાવવા માટે હાલની નિયમાવલીનું મૂલ્યાંકન કરશે.

આ સમિતિ ટૂંક સમયમાં પોતાનો રિવ્યૂ રિપોર્ટ સરકારને સોંપશે, જેના આધારે સ્વૈચ્છિક ફાર્મા માર્કેટિંગ કોડને ભવિષ્યમાં વધુ કડક અથવા કાનૂની રીતે બંધનકર્તા બનાવવાની દિશામાં આગળના કાનૂની અને નીતિગત પગલાં લેવામાં આવશે.

(3:01 PM IST)