News of Tuesday, 24th November 2026
2027 ની યુપી ચૂંટણી પહેલાં સપા-કોંગ્રેસમાં સીટ-શેરિંગ પર ભારે ખેંચતાણ: બિહાર ફોર્મ્યુલા નહીં ચાલે, માત્ર 26 સીટ જ મળશે : સપાનું આકરું વલણ : કોંગ્રેસનો પલટવાર!
ત્રણ કલાકથી વધુ ચાલેલી બેઠકમાં કોંગ્રેસે ફરી 100 થી વધુ બેઠકોની યાદી મૂકતાં મતભેદો વધ્યા :કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદે કહ્યું- 'અમે ભીખ નથી માંગી રહ્યા', જ્યારે સપાએ જીતની સંભાવના અને સંભવિત ઉમેદવારોના નામ પર મૂક્યો ભાર

નવી દિલ્હી: 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં 'ઈન્ડિયા' ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે 24 નવેમ્બરે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સપાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ઉત્તર પ્રદેશમાં બિહારની જેમ સીટ-શેરિંગ નહીં થાય અને હાલ કોંગ્રેસને માત્ર 26 બેઠકો જ ઓફર કરવામાં આવી રહી છે. સૂત્રોના દાવા મુજબ, સપા નેતૃત્વનું માનવું છે કે બિહારમાં કોંગ્રેસને 70 બેઠકો આપવાનો નિર્ણય યોગ્ય નહોતો અને ત્યાં તેનો સ્ટ્રાઇક રેટ પણ નબળો રહ્યો હતો, તેથી યુપીમાં તે જ ફોર્મ્યુલાનું પુનરાવર્તન સ્વીકાર્ય નથી. આ કડક વલણ સામે કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ કોઈની સામે ભીખ માંગી રહી નથી, જ્યારે સપાના રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવે જણાવ્યું છે કે આગામી બેઠકની તારીખ અંગે કોંગ્રેસને જાણ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ કલાકથી વધુ સમય ચાલેલી આ બીજી બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ સર્વસંમતિ સાધી શકાઈ નથી. સપાને આશા હતી કે 26 બેઠકોની ઓફર બાદ કોંગ્રેસ વાસ્તવિક આંકડા પર વાત કરશે, પરંતુ કોંગ્રેસે ફરી એકવાર 100 થી વધુ બેઠકોની યાદી રજૂ કરતાં મામલો ગૂંચવાયો છે. સમાજવાદી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર બેઠકોની સંખ્યા માંગવાથી વાત નહીં બને; કોંગ્રેસે જે બેઠકો પર દાવો કરવો હોય તેના નામ અને સંભવિત ઉમેદવારોની વિગતો આપવી પડશે, તેમજ સપા પોતાના વર્તમાન ધારાસભ્યોની બેઠકો પર કોઈ સમાધાન નહીં કરે.
સપાના નેતાઓનો મત છે કે ઉત્તર પ્રદેશમાં બેઠકોની ફાળવણી જમીની વાસ્તવિકતા, પક્ષના સંગઠન અને જીતવાની ક્ષમતા ના આધારે જ થવી જોઈએ. બીજી તરફ, કોંગ્રેસ પોતાની 100 થી વધુ બેઠકોની માંગ પર અડગ રહેતા યુપીમાં ગઠબંધનની બેઠક વહેંચણીનો કોયડો વધુ જટિલ બન્યો છે. આગામી બેઠકમાં બંને પક્ષો વચ્ચે સમાધાનનો રસ્તો નીકળે છે કે પછી સંબંધોમાં વધુ તિરાડ પડે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
