News of Friday, 31st July 2026
સેબીનો મોટો નિર્ણય : શેરબજારમાં ૩ ઓગસ્ટથી ક્લોઝિંગ પ્રાઈઝ નક્કી કરવાના નિયમો બદલાશે : ૨૦ મિનિટનું નવું 'ક્લોઝિંગ ઓક્શન સેશન' શરૂ થશે
નવો નિયમ શરૂઆતમાં ડેરિવેટિવ્ઝ ધરાવતા શેરોમાં લાગુ થશે : બપોરે ૩:૧૫ થી ૩:૩૫ વાગ્યા સુધી ચાપતા ઓક્શન બાદ ભાવ નક્કી કરાશે : સ્ટોપ લોસ અને આઈસબર્ગ ઓર્ડર પર પ્રતિબંધ રહેશે : જ્યારે ૭ સપ્ટેમ્બરથી પ્રી-ઓપન સેશનમાં પણ ફેરફાર અમલી બનશે

મુંબઈ: ભારતીય શેરબજારમાં નાણાકીય રોકાણકારો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જારી કરાયેલા સર્ક્યુલર અનુસાર, શેરબજારમાં ટ્રેડિંગ સેશનના અંતે ક્લોઝિંગ પ્રાઈઝ (અંતિમ ભાવ) નક્કી કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવો નિયમ ૩ ઓગસ્ટ ૨૦૨૬થી અમલમાં આવશે, જેના હેઠળ ઈક્વિટી કેશ સેગમેન્ટમાં 'ક્લોઝિંગ ઓક્શન સેશન' (CAS) શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ પ્રક્રિયા માત્ર એવા શેરો પર લાગુ થશે જેમાં ડેરિવેટિવ કન્સેપ્ટ ઉપલબ્ધ છે, જ્યારે બાકીના શેરો માટે હાલની પદ્ધતિ ચાલુ રહેશે.
શેરબજારમાં કોઈ પણ શેરનો અંતિમ ભાવ ઇન્ડેક્સ ગણતરી, ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ એસેટ વેલ્યુ (NAV) અને અન્ય નાણાકીય હિસાબો માટે અત્યંત નિર્ણાયક હોય છે. હાલમાં છેલ્લા ૩૦ મિનિટના ટ્રેડિંગના વોલ્યુમ વેટિડ એવરેજ પ્રાઈઝ (VWAP) ના આધારે અંતિમ ભાવ નક્કી થાય છે, પરંતુ ૩ ઓગસ્ટથી પસંદગીના શેરોમાં બપોરે ૩:૧૫ થી ૩:૩૫ વાગ્યા સુધી ૨૦ મિનિટનું અલગ ક્લોઝિંગ ઓક્શન સેશન યોજાશે.
આ નવા સેશનની સમયસારણી અનુસાર:
* *૩:૧૫ થી ૩:૨૦ વાગ્યા સુધી:* બપોરે ૩:૦૦ થી ૩:૧૫ વચ્ચેના સરેરાશ ભાવ (VWAP) આધારે રેફરન્સ પ્રાઈઝ નક્કી થશે અને ટ્રાન્ઝિશન પ્રક્રિયા હાથ ધરાશે.
* *૩:૨૦ થી ૩:૨૫ વાગ્યા સુધી:* રોકાણકારો લિમિટ ઓર્ડર અને માર્કેટ ઓર્ડર બંને મૂકી શકશે.
* *૩:૨૫ થી ૩:૩૦ વાગ્યા સુધી:* માત્ર લિમિટ ઓર્ડર મૂકી શકાશે. આ ગાળામાં ૩:૨૮ થી ૩:૩૦ વચ્ચે રેન્ડમલી ઓર્ડર એન્ટ્રી બંધ થઈ જશે જેથી કોઈ અંતિમ સેકંડે ભાવમાં હેરાફેરી ન કરી શકે.
* *૩:૩૦ થી ૩:૩૫ વાગ્યા સુધી:* ઓર્ડર મેચિંગ થઈને સૌથી વધુ વોલ્યુમવાળો 'ઈક્વિલિબ્રિયમ પ્રાઈઝ' નક્કી થશે.
કેશ સેગમેન્ટમાં પોસ્ટ-ક્લોઝ સેશન બપોરે ૩:૫૦ થી ૪:૦૦ વાગ્યા સુધી ચાલશે, જ્યારે ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ પૂર્વવત્ ૩:૪૦ વાગ્યા સુધી જારી રહેશે.
નવા નિયમ અનુસાર, ક્લોઝિંગ ઓક્શન સેશન દરમિયાન શેરની ભાવ મર્યાદા (પ્રાઈસ બેન્ડ) રેફરન્સ પ્રાઈઝથી ±૩% ના દાયરામાં જ રહેશે, જેથી અચાનક આવતી મોટી અસ્થિરતા રોકી શકાય. આ સેશન દરમિયાન રોકાણકારો 'સ્ટોપ લોસ' ઓર્ડર કે 'આઈસબર્ગ' ઓર્ડર મૂકી શકશે નહીં. સતત ટ્રેડિંગ સેશનમાંથી સરેરાશ લિમિટ ઓર્ડર આગામી ઓક્શનમાં ટ્રાન્સફર થશે, પરંતુ જો તેમાં સુધારો કરવામાં આવશે તો તેમની ટાઈમ પ્રાયોરિટી બદલાઈ જશે.
આ ઉપરાંત, સેબીએ પ્રી-ઓપન ઓક્શન સેશનના નિયમોમાં પણ સુધારા જાહેર કર્યા છે, જે ૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી અમલી બનશે. પ્રી-ઓપન સેશન સવારે ૯:૦૦ થી ૯:૧૫ વાગ્યા સુધી ચાલશે, જેમાં શરૂઆતની ૫ મિનિટમાં લિમિટ અને માર્કેટ ઓર્ડર મૂકી શકાશે અને ત્યાર પછીની ૫ મિનિટમાં માત્ર લિમિટ ઓર્ડર જ સ્વીકારવામાં આવશે. આ સેશનમાં પણ ૯:૦૮ થી ૯:૧૦ વચ્ચે રેન્ડમ ક્લોઝર સિસ્ટમ લાગુ રહેશે.
સેબીના આ નિર્ણયથી ખાસ કરીને ઈન્ટ્રાડે ટ્રેડર્સ અને ડેરિવેટિવ્ઝ રોકાણકારોને નવી ટ્રેડિંગ વિગતો ધ્યાન પર રાખીને કામકાજ કરવું પડશે, જ્યારે લાંબા ગાળાના રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પેસિવ ફંડ્સ માટે ટ્રેકિંગ એરર ઘટશે અને ક્લોઝિંગ પ્રાઈઝમાં વધુ પારદર્શિતા આવશે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
