<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

SEBIનો આંતરરાષ્ટ્રીય સ્તરે માસ્ટરસ્ટ્રોક: FPI માટે ખુલ્યા સફળતાના નવા દ્વાર, નોન-એગ્રી કોમોડિટીઝ અને ડેરિવેટિવ્ઝમાં કરોડોના રોકાણને લીલી ઝંડી!

વિદેશી રોકાણકારો માટે ભારતીય બજારમાં તકોનો પિટારો ખોલતો સેબીનો મોટો નિર્ણય; REIT અને InvIT ના સ્થાને ડીઆર (DRs) ઇશ્યૂ કરવા તથા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) ના નિયમોમાં પણ કર્યા યુગપ્રવર્તક ફેરફારો.

મુંબઈ : ભારતીય કેપિટલ માર્કેટ રેગ્યુલેટર 'સેબી' (SEBI) ની બોર્ડ બેઠકમાં દેશના ફાઇનાન્શિયલ સેક્ટર અને શેરબજારને નવી ઊંચાઈઓ પર લઈ જાય તેવા અનેક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) માટે ભારતીય કોમોડિટી માર્કેટના દરવાજા વધુ પહોળા કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, FPIs ને હવે નોન-એગ્રી ડેરિવેટિવ્ઝ અને નોન-એગ્રી કોમોડિટીઝમાં સીધું રોકાણ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી દેશમાં વિદેશી હૂંડિયામણના પ્રવાહમાં મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા છે.

 

સેબી દ્વારા જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા મુજબ, બજારમાં સ્થિરતા જાળવવા અને જોખમ ઘટાડવા માટે FPIs ને ચોક્કસ શરતો સાથે આ પરવાનગી અપાઈ છે. આ અંતર્ગત FPI એ કોઈપણ કોન્ટ્રાક્ટની એક્સપાયરી તારીખથી ૩ દિવસ પહેલાં (T-3 દિવસથી) પોતાની નવી પોઝિશન વધારવા પર પ્રતિબંધ રહેશે અને તેમણે એક્સપાયરી પહેલાં જ પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ (બંધ) કરવી પડશે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારોએ ટ્રેડિંગ માટે અગાઉથી જ ક્લિયરિંગ સભ્ય કે ટ્રેડિંગ સભ્ય સાથે સત્તાવાર કરાર કરવાના રહેશે.

 

વિદેશી રોકાણને વધુ વેગ આપવા માટે સેબીએ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) ના યુનિટ્સના બદલે ડિપોઝિટરી રિસિટ્સ (DRs) ઇશ્યૂ કરવાની પણ મંજૂરી આપી દીધી છે. શરૂઆતના તબક્કામાં આ DRs નું લિસ્ટિંગ GIFT City સ્થિત IFSC માં કરવામાં આવશે, જેમાં બિન-નિવાસી ભારતીયો (NRI) સહિત તમામ વિદેશી FPIs સરળતાથી રોકાણ કરી શકશે. સાથોસાથ, સેબીએ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) ના રોકાણની મર્યાદા અને નિયમોનો દાયરો વધારીને સ્થાનિક રોકાણકારો અને ફંડ મેનેજરોને પણ મોટી રાહત આપી છે.

(8:54 PM IST)