તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
દલાલ સ્ટ્રીટમાં સળંગ બીજા દિવસે બ્લડબાથ: સેન્સેક્સ 72,529.07 અને નિફ્ટી 22,716.20 ના સ્તર પર ધડાકાભેર તૂટ્યા; રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા, પણ રિકવરીથી થોડી રાહત!
ક્રૂડ ઓઈલમાં ભડકો અને FIIની ભારે વેચવાલીથી શેરબજારમાં તોફાન; અદાણી પોર્ટ્સ અને સન ફાર્માએ બજારને તૂટતું બચાવ્યું, ટાઇટન-TCSમાં મોટો ઘટાડો

મુંબઈ, તા.29: સોમવારના તોફાની ઘટાડા બાદ મંગળવારે પણ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીનું વાવાઝોડું જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે દલાલ સ્ટ્રીટ લાલચોળ નિશાનમાં બંધ થઈ હતી. દિવસ દરમિયાન તીવ્ર ઉતાર-ચઢાવ વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરો વાળા સેન્સેક્સ ઇન્ડેક્સ 242.65 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 72,529.07 ના મલ્ટી-મંથ લો સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 64.05 પોઈન્ટ (0.28%) તૂટીને 22,716.20 ના સ્તર પર સ્થિર થયો હતો.
ઇન્ટ્રા-ડેમાં 72,000 ની નીચે સરક્યો સેન્સેક્સ, પાછળથી રિકવરી
ટ્રેડિંગ સત્રની શરૂઆતથી જ બજારમાં મોટું ગાબડું પડ્યું હતું. એક સમયે સેન્સેક્સ ગગડીને 72,064.00 ની ઇન્ટ્રા-ડે નીચલી સપાટી સુધી પહોંચી ગયો હતો, જેનાથી માત્ર પાંચ મિનિટની અંદર રોકાણકારોની સંપત્તિમાંથી ₹3 લાખ કરોડથી ₹4 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. જોકે, નીચલા સ્તરેથી ખરીદી નીકળતા સેન્સેક્સમાં 465 પોઈન્ટનો શાનદાર સુધારો જોવા મળ્યો હતો અને તે થોડા રિકવર થઈને બંધ થયો હતો. બજાર બંધ થતાં સુધીમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટીને ₹470 લાખ કરોડ થઈ ગઈ હતી.
ક્રૂડ ઓઈલમાં ભડકો અને વિદેશી રોકાણકારોની ભાગદોડ
બજારમાં આટલા મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વિસ્ફોટક વધારો છે. ઈરાનના પ્રસ્તાવ પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલના સપ્લાય પર સંકટ ઘેરાયું છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ $106 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. આ સિવાય, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત થતી માતબર વેચવાલીએ પણ બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું છે. FII એ એક જ દિવસમાં ₹5,353 કરોડના શેર વેચી માર્યા હતા, જેની સામે સ્થાનિક રોકાણકારો (DII) એ ₹5,189 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
રેડ ઝોનમાં ચાલી રહેલા બજારમાં પણ કેટલાક શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે સન ફાર્મા, ટાટા સ્ટીલ અને કોટક મહિન્દ્રા બેંકના શેર 1 ટકાથી વધુ વધીને બંધ થયા હતા. બીજી તરફ, રેડ ઝોનમાં ટાઇટન, HCL ટેક, TCS અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં મોટો કડાકો બોલાયો હતો. આ ઉપરાંત રિલાયન્સ, મારુતિ અને એલ એન્ડ ટી જેવી મજબૂત કંપનીઓના શેર પણ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. બજાર નિષ્ણાતોના મતે હવે નિફ્ટી માટે 22,500 થી 22,400 ની રેન્જ મજબૂત સપોર્ટ ઝોન તરીકે કામ કરશે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
