<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

મેટામાં મહા-છટણીનો બીજો રાઉન્ડ: 16,000 કર્મચારીઓ પર લટકતી તલવાર, 20 મેથી શિડ્યુલ જાહેર થતાં ટેક જગતમાં ફફડાટ!

AI પાછળ અંધાધૂંધ ખર્ચ કરવા માર્ક ઝુકરબર્ગે લીધો આકરો નિર્ણય: કાર્યક્ષમતા વધારવાના બહાને વર્ષના અંત સુધીમાં કુલ 10% વૈશ્વિક સ્ટાફને ઘરભેગો કરાશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ) ફરી એકવાર તેના કર્મચારીઓ માટે ‘બ્લેક ડે’ લાવવાની તૈયારી કરી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કંપનીએ આક્રમક પુનર્ગઠનનો માર્ગ અપનાવ્યો છે, જેના કારણે આગામી મહિનાઓમાં અંદાજે 16,000 જેટલા કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી શકે છે.
મે મહિનાથી શરૂ થશે છટણીનો પ્રથમ તબક્કો
અહેવાલ મુજબ, આ છટણી બે મોટા તબક્કામાં કરવામાં આવશે. જેનો પ્રથમ તબક્કો આગામી 20 મેના રોજ શરૂ થવાની શક્યતા છે, જેમાં અંદાજે 8,000 કર્મચારીઓની છૂટા કરવામાં આવશે. જોકે, આ આંકડો અહીં જ નથી અટકતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2026 ના અંત સુધીમાં બીજા તબક્કામાં વધુ 8,000 કર્મચારીઓને કાઢી મૂકવાની યોજના છે, જે મેટાના કુલ વૈશ્વિક કાર્યબળના લગભગ 10 ટકા જેટલો હિસ્સો થાય છે.
માણસોની જગ્યા લેશે મશીન અને AI?
માર્ક ઝુકરબર્ગ હવે મેટાને વધુ ‘નમ્ર’ અને ‘કાર્યક્ષમ’ બનાવવા માંગે છે. કંપની આ વર્ષે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને સ્પેશિયલ ચિપ્સ બનાવવા માટે અંદાજે 135 અબજ ડોલરનું જંગી રોકાણ કરી રહી છે. આ આર્થિક બોજને હળવો કરવા અને મેનેજમેન્ટના સ્તરો ઘટાડવા માટે કર્મચારીઓની સંખ્યામાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. કંપનીના એન્જિનિયરોને હવે એવા પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જે સ્વાયત્ત સિસ્ટમ અને જનરેટિવ AI ટૂલ્સ વિકસાવી શકે.
સમગ્ર ટેક ઉદ્યોગમાં મંદીનો માહોલ
માત્ર મેટા જ નહીં, પરંતુ એમેઝોન અને બ્લોક જેવી મોટી કંપનીઓએ પણ તાજેતરમાં હજારો કર્મચારીઓની છટણી કરી છે. ‘Layoffs.fyi’ ના આંકડા મુજબ, વર્ષ 2026 માં અત્યાર સુધીમાં 95 જેટલી ટેક કંપનીઓએ કુલ 73,000 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવા મજબૂર કર્યા છે.
મેટાના ઇતિહાસમાં 2022 અને 2023 માં પણ અંદાજે 21,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી, જેને ઝુકરબર્ગે ‘કાર્યક્ષમતાનું વર્ષ’ ગણાવ્યું હતું. હવે, 2026 માં ફરી એકવાર AI ના નામે થનારી આ મોટી છટણીથી કર્મચારીઓના મનોબળ પર ગંભીર અસર પડવાની ભીતિ છે.

(8:08 PM IST)