તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
કાશ્મીરમાં ૧૦ દિવસમાં બીજો આતંકી હુમલો: હિન્દુ-મુસ્લિમ મજૂરોને અલગ તારવી ગોળી મારી: ઘાયલ બીજા મજૂરનું પણ મોત

જમ્મુ: કાશ્મીરના કુલગામમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયેલા બીજા પરપ્રાંતીય મજૂરે પણ સારવાર દરમિયાન દમ તોડતા મૃત્યુઆંક બે થયો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૧૦ દિવસમાં આ બીજો આતંકી હુમલો છે.
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલમ ગામમાં આતંકીઓએ છત્તીસગઢના બે મજૂરો પર ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ પહેલા મજૂરોના નામ પૂછ્યા હતા અને ત્યારબાદ હિન્દુ-મુસ્લિમ મજૂરોને અલગ કરી, માત્ર હિન્દુ મજૂરોને જ નજીકથી ગોળી મારી હતી. આ હુમલામાં છત્તીસગઢના દીપક રૈત્રે (૨૪) અને ભૂપિન્દર (૨૮) નામના બે મજૂરોના મોત નિપજ્યા છે. શુક્રવારે એક મજૂરનું અનંતનાગ મેડિકલ કોલેજમાં મોત થયું હતું, જ્યારે બીજા મજૂરે શનિવારે વહેલી સવારે શ્રીનગરની સ્કીમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક સ્થાનિક અને એક વિદેશી એમ બે આતંકીઓ સામેલ હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરી છે અને સુરક્ષા એજન્સીઓને આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન વધુ તેજ કરવા કડક નિર્દેશ આપ્યા છે.
નોંધનીય છે કે, ૧૦ દિવસમાં કાશ્મીરમાં આ બીજો હુમલો છે, અગાઉ ૨૨ જુલાઈએ અનંતનાગમાં આતંકીઓએ એક હેડ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
