હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝારખંડમાં સુરક્ષા દળોનો 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવો પ્રહાર: ટોચના કમાન્ડર સહદેવ સહિત 4 માઓવાદીઓ ખતમ!
હજારીબાગના જંગલોમાં CRPF અને પોલીસનું સંયુક્ત ઓપરેશન: જેલબ્રેકનો માસ્ટરમાઇન્ડ સહદેવ અને તેની પત્ની નતાશા એન્કાઉન્ટરમાં ઠાર : ઘટનાસ્થળેથી AK-47 સહિત અત્યાધુનિક વિદેશી હથિયારોનો જથ્થો ઝડપાયો

હજારીબાગ : ઝારખંડના હજારીબાગ જિલ્લાના કેરેદરી બ્લોકમાં આવેલા ખાપિયાના ગાઢ જંગલો શુક્રવારે ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. CRPF ની ૨૦૯ કોબ્રા બટાલિયન અને સ્થાનિક પોલીસને સચોટ બાતમી મળી હતી કે મોસ્ટ વોન્ટેડ કમાન્ડર સહદેવ મહતો ઉર્ફે અનુજ તેની ટુકડી સાથે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા છુપાયો છે. સર્ચ ઓપરેશન દરમિયાન બપોરે ૨ વાગ્યે માઓવાદીઓએ સુરક્ષા દળો પર અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતા પ્રહારમાં જવાનોએ શૌર્ય બતાવતા અડધા કલાકના ભીષણ એન્કાઉન્ટરમાં ચાર કટ્ટર માઓવાદીઓને જમીનદોસ્ત કરી દીધા હતા.
આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોમાં સહદેવ મહતો સૌથી મોટું નામ છે. સહદેવ માત્ર પ્રાદેશિક સમિતિનો સભ્ય જ નહોતો, પરંતુ ૨૦૧૧ના ચર્ચિત ચૈબાસા જેલબ્રેકનો મુખ્ય આરોપી હતો જે પોલીસની આંખમાં ધૂળ નાખીને ભાગી ગયો હતો. આ ઓપરેશનમાં તેની પત્ની નતાશા, જે પોતે સ્પેશિયલ ઝોનલ કમિટીની સભ્ય હતી, અને બે એરિયા કમાન્ડર બુધન કરમાલી તથા રણજીત ગંઝુ પણ માર્યા ગયા છે. એક જ ઓપરેશનમાં સંગઠનના આટલા વરિષ્ઠ નેતાઓનો સફાયો થવો એ માઓવાદી ચળવળ માટે ઝારખંડમાં સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
એન્કાઉન્ટર બાદ જ્યારે જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે સુરક્ષા દળો પણ ચોંકી ઉઠ્યા હતા. માઓવાદીઓ પાસેથી બે AK-સિરીઝની રાઇફલ્સ, એક વિદેશી કોલ્ટ AR-15 અને એક INSAS રાઇફલ સહિત મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે. પોલીસ અધિક્ષક અંજની અંજને જણાવ્યું કે આ ઓપરેશનથી વિસ્તારમાં માઓવાદીઓની કમર તૂટી ગઈ છે. અત્યાધુનિક શસ્ત્રોની આ રિકવરી સૂચવે છે કે તેઓ કોઈ મોટા હુમલાની તૈયારીમાં હતા, જેને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ સફળતાથી હવે ઝારખંડના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના કામોને વેગ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
