તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
પાકિસ્તાન સરહદે ' સુરક્ષા ચક્રવ્યૂહ': માત્ર બોર્ડર નહીં, અંદરના ૫૦ કિમી સુધી BSF રાખશે બાજ નજર
અમિત શાહે બિકાનેરની ઐતિહાસિક સાંચુ પોસ્ટ પરથી ડ્રોન અને સરહદી ગામોમાં વસ્તીના અસામાન્ય ફેરફારો સામે સખત કાર્યવાહી કરવા આપ્યો આદેશ: આગામી ૬ મહિનામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ લાગુ કરાશે

બિકાનેર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિકાનેરની વ્યૂહાત્મક સાંચુ પોસ્ટ પરથી બીએસએફ (BSF) ને એક મોટો અને નવો સુરક્ષા મંત્ર આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે બીએસએફની જવાબદારી માત્ર ઝીરો લાઇન કે સરહદ સાચવવાની નથી, પરંતુ સરહદથી ૫૦ કિલોમીટર અંદર સુધીના સમગ્ર પ્રાદેશિક વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. આ અંતર્ગત સરહદી ગામોમાં થતા કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કે વસ્તીના માળખામાં જોવા મળતા કોઈ પણ અસામાન્ય ફેરફારો અંગે નાગરિક વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસને તુરંત એલર્ટ કરવા આદેશ અપાયો છે.
આધુનિક યુગના હાઇબ્રિડ યુદ્ધ અને સરહદ પારથી ડ્રોન દ્વારા થતી હથિયારો તેમજ માદક દ્રવ્યો (ડ્રગ્સ) ની તસ્કરીને ગૃહમંત્રીએ દેશ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ પડકારનો સામનો કરવા માટે તેમણે જાહેરાત કરી છે કે ભારત સરકાર આગામી છ મહિનાની અંદર ભારત-પાક સરહદે આધુનિક એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ સ્થાપિત કરવાનું શરૂ કરી દેશે. હવે માત્ર ડ્રોનને તોડી પાડવા પૂરતું નથી, પરંતુ પાકિસ્તાની ડ્રોન ભારતીય ભૂમિ પર ક્યાં ઉતરે છે, સરહદની અંદર તેને કોણ રિસીવ કરે છે અને તે સામગ્રીનો ક્યાં ઉપયોગ થાય છે તે આખી સિન્ડિકેટ પર કડક નજર રાખવામાં આવશે.
દેશની સરહદોને સંપૂર્ણ સુરક્ષિત કરવા માટે હવે બીએસએફ, ભારતીય સેના, સ્થાનિક નાગરિકો અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે 'ચાર-સ્તરીય સુરક્ષા ગ્રીડ' તૈયાર કરશે. અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે વર્ષ ૨૦૧૪ પછી ભારતની રક્ષણાત્મક નીતિમાં મોટો બદલાવ આવ્યો છે અને આપણું લક્ષ્ય એટલી મજબૂત સરહદો બનાવવાનું છે કે દુશ્મન હુમલો કરવાની હિંમત જ ન કરી શકે. બિહારના સીમાંચલ બાદ હવે કચ્છ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ સરહદે પણ આવી જ ઉચ્ચ સ્તરીય સંયુક્ત બેઠકો યોજીને આ સહિયારી જવાબદારી વાળા સુરક્ષા મોડેલને દેશભરમાં લાગુ કરવામાં આવશે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
