<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

બ્રિટનના વિભાજનના એંધાણ? ૧૦૪ વર્ષ જૂનો આઇરિશ ઇતિહાસ દોહરાવાવાની આશંકા વચ્ચે યુકેમાં રહેતા લાખો ભારતીયોના ભવિષ્ય સામે સર્જાયા પ્રશ્નાર્થો

સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના નેતાઓએ સંયુક્ત કરાર પર હસ્તાક્ષર કરતા વેસ્ટમિન્સ્ટરની સત્તા ડામાડોળ; અલગ દેશો બનવાની સ્થિતિમાં વિઝા, વર્ક પરમિટ અને નાગરિકતાના નિયમો બદલાવાની ભયાનક આશંકા

 

 

લંડન, તા.૧૫: યુનાઇટેડ કિંગડમ (UK) ના ઇતિહાસમાં ફરી એકવાર ૧૦૪ વર્ષ જૂનું ઐતિહાસિક સંકટ ઊભું થતું જોવા મળી રહ્યું છે. વર્ષ ૧૯૨૨માં જ્યારે આયર્લેન્ડ યુકેથી અલગ થયું હતું, ત્યારે જે બંધારણીય પ્રશ્નો ઊભા થયા હતા તે જ સ્થિતિ આજે આધુનિક યુકે સમક્ષ આવીને ઊભી રહી છે. વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડના પ્રાદેશિક નેતાઓએ તાજેતરમાં બ્રિટિશ સંસદ (વેસ્ટમિન્સ્ટર) ની એકહથ્થુ સત્તા સામે અવાજ ઉઠાવતા એક વિશેષ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ભલે તાત્કાલિક ધોરણે દેશનું વિભાજન ન કરે, પરંતુ તેણે યુકેના ભાવિ અસ્તિત્વ અને ત્યાં વસતા લાખો વિદેશી નાગરિકોના ભવિષ્ય પર મોટું પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. 

હાલના આંકડા અનુસાર, યુકેમાં વસતા બિન-ઈયુ (Non-EU) નાગરિકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે, જેમાં ૨.૯૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ૧.૪૬ લાખથી વધુ નોકરીયાતોનો સમાવેશ થાય છે. જો ભવિષ્યમાં સ્કોટલેન્ડ કે વેલ્સ સ્વતંત્ર રાષ્ટ્ર બને, તો હાલના યુકે વિઝા પર ત્યાં રહેતા, અભ્યાસ કરતા કે નોકરી કરતા ભારતીયોનું શું થશે તે સૌથી જટિલ પ્રશ્ન બનશે. કારણ કે લંડન દ્વારા જારી કરાયેલ વિઝા આપોઆપ નવા બનેલા દેશો માટે માન્ય ગણાશે નહીં. આ સિવાય, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રોજગાર કે શિક્ષણ માટે અવરજવર કરતા લોકોએ નવી બોર્ડર તપાસ, પાસપોર્ટ નિયમો અને અલગ વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. 

વિભાજનની આ અટકળો વચ્ચે સ્કોટલેન્ડ માટે વસ્તી વિષયક સમીકરણો પણ ચિંતાજનક છે, કારણ કે ૨૦૩૦ પછી તેની સ્થાનિક વસ્તી ઘટવાની ધારણા છે, જેના કારણે તેને આર્થિક વિકાસ માટે ભારતીય જેવા કુશળ સ્થળાંતરકારોની ભારે જરૂર પડશે. ૧૯૨૨માં આયર્લેન્ડ અલગ થયું ત્યારે ડિજિટલ વિઝા, વર્ક પરમિટ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું આટલું મોટું માળખું નહોતું. પરંતુ આજે યુકે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ગુડ ફ્રાઈડે કરાર અને રાજકીય લોકમતની જટિલ કાનૂની પ્રક્રિયાઓ વચ્ચે જો આ દેશો અલગ થશે, તો જાહેર દેવું અને સરહદોની સાથે સાથે લાખો સ્થળાંતરિતોના વિઝા અને સેટલમેન્ટ સ્ટેટસનો ઉકેલ લાવવો બ્રિટન માટે સૌથી મોટો પડકાર બની રહેશે.

(4:31 PM IST)