તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ક્રિકેટના મેદાન બહાર સેહવાગની ‘નજફગઢ’ સ્ટાઈલ: મુરલી કાર્તિક પર વીરુ ભડક્યો, લાઈવ શોમાં આપી દીધી ‘મોઢા પર સ્પ્રે’ કરવાની ધમકી!
મુંબઈ અને હૈદરાબાદની મેચ બાદ શાર્દુલ ઠાકુરના મુદ્દે જામી ચર્ચો; હાર્દિક પંડ્યાના નિર્ણયો પર ઉઠ્યા સવાલ, સેહવાગના આક્રમક અંદાજથી મુરલી કાર્તિક લાઈવ કેમેરા સામે થયો અસહજ

મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ તેના બિન્દાસ અંદાજ માટે જાણીતો છે, પરંતુ તાજેતરમાં એક લાઈવ ચર્ચા દરમિયાન તેનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ બાદ ચાલી રહેલી ચર્ચામાં સેહવાગે પૂર્વ સ્પિનર મુરલી કાર્તિકને એવી ધમકી આપી કે હોસ્ટ પણ ચોંકી ગયા હતા. સેહવાગે લાઈવ શો દરમિયાન કહ્યું કે, “હું તારા મોઢા પર રેડ બુલ સ્પ્રે કરી દઈશ!”
શું હતો આખો વિવાદ?
બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાર્દુલ ઠાકુરને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે મેદાનમાં ઉતાર્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને એક પણ ઓવર બોલિંગ આપી નહોતી. આ મુદ્દે વાત કરતા મુરલી કાર્તિકે સેહવાગ જેવું જ મોઢું બનાવીને કહ્યું કે, “મને પણ કંઈ સમજાતું નથી, મારો ચહેરો પણ અત્યારે તમારા જેવો જ મુંઝવણમાં છે.” કાર્તિકની આ વાત સાંભળી સેહવાગ ઉશ્કેરાઈ ગયો અને તેણે શોના હોસ્ટ પાસે રેડ બુલની કેન માંગી જેથી તે કાર્તિક પર સ્પ્રે કરી શકે.
હાર્દિક પંડ્યાના નિર્ણય પર નિશાન
સેહવાગની આ વાત સાંભળી મુરલી કાર્તિક થોડો અસહજ દેખાયો અને તેણે વળતો સવાલ કર્યો કે, “તમે જ કેમ નથી કહેતા કે આવું કેમ થયું?” જેના જવાબમાં સેહવાગે કટાક્ષમાં કહ્યું કે, “શાર્દુલ એક વિકેટ ટેકિંગ બોલર છે અને તેની પાસે બોલિંગ કરાવવી જોઈતી હતી. હવે આ ‘કેમ’ નો જવાબ તો માત્ર હાર્દિક પંડ્યા પાસે જ છે.” સેહવાગના આ આક્રમક વલણથી સ્ટુડિયોમાં થોડીવાર માટે માહોલ ગરમાઈ ગયો હતો.
મુંબઈનો કારમો પરાજય
મેચની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ હૈદરાબાદના બેટ્સમેનોએ મુંબઈના બોલરોની એવી ધુલાઈ કરી કે આ લક્ષ્યાંક માત્ર 18.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો. આટલો મોટો સ્કોર હોવા છતાં મુંબઈની એકતરફી હાર થતા ક્રિકેટ જગતમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અને રણનીતિ પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
