<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

મારુતિના પસંદગીના મોડેલ ૨૦,૦૦૦ સુધી મોંઘા થશે

મે મહિના પછીથી ત્રીજો ભાવવધારો, અગાઉનો વધારો તમામ મોડેલ પર હતો

નવી દિલ્‍હી તા.૮: કાર ઉત્‍પાદક માર્કેટ લીડર મારુતિ સુઝુકીએ સોમવારે કહ્યું હતું કે તે તેના પસંદગીના મોડેલ પર ૨૦,૦૦૦ સુધીનો ભાવવધારો કરશે, જે આ મહિને જ અમલી બનશે. મે મહિના પછી કંપનીનો આ ત્રીજો ભાવવધારો છે. તેણે ઈનપુટ કોસ્‍ટમાં વધારો અને ફુગાવાનું દબાણ હોવાનું કારણ આપ્‍યું છે. અગાઉના બે ભાવવધારા તમામ મોડેલ પર અમલી બન્‍યા હતા. મારુતિએ કહ્યું કે ઈનપુટ કોસ્‍ટમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે પસંદગીના મોડેલ પર તે રૂા.૨૦,૦૦૦ સુધીનો ભાવવધારો કરશે.

કંપનીએ કહ્યું કે છેલ્‍લાં કેટલાક મહિનાથી તે ખર્ચમાં વધારાની અસર ઓછી કરવા માટે શક્‍ય તમામ પ્રયાસ કરી રહી છે. તેમ છતાં ફુગાવાનો બોજ વધી ગયો છે અને ઈનપુટ કોસ્‍ટમાં વધારાની અસર લાંબા સમય સુધી રહે તેમ જણાય છે તે જોતા કંપનીએ કેટલોક બોજ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ મારુતિ સુઝુકીએ તેના તમામ કાર મોડેલના ભાવમાં ઓગસ્‍ટ મહિનાથી રુા.૩૦,૦૦૦ સુધીનો વધારો જાહેર કર્યો હતો. તે અગાઉ પણ આ જ રીતે કંપનીએ ૧ જૂનથી તેની તમામ કારના મોડેલ પર રૂા.૩૦,૦૦૦ સુધીનો વધારો અમલી બનાવ્‍યો હતો.

(10:39 AM IST)