<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પોતાની જ પાર્ટીના દાવાઓની હવા કાઢી: SIR અને 'વોટ ચોરી'ના આક્ષેપોને ફગાવતા કહ્યું- 'આ વાતોમાં કોઈ તથ્ય નથી!'

તમિલનાડુ ચૂંટણી પરિણામો પર મતદાર યાદી સુધારણાની કોઈ અસર થઈ નથી: વિપક્ષે મતની હેરાફેરીના દાવા સાબિત કરવા પડશે તેવો ચિદમ્બરમનો સ્પષ્ટ સૂર

નવી દિલ્હી : એક તરફ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન દેશમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) અને 'વોટ ચોરી'ના મુદ્દે ચૂંટણી પંચ અને ભાજપને સતત ઘેરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ચિદમ્બરમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે SIR અને મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાના કારણે ચૂંટણી પરિણામો બદલાઈ ગયા હોવાના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તેમના આ નિવેદનથી પોતાની જ પાર્ટીના આરોપો પર સવાલો ઊભા થયા છે.

 

તમિલનાડુ વિધાનસભા પરિણામોનો હવાલો આપી પોતાની જ પાર્ટીના દાવા ફગાવ્યા

 

પી. ચિદમ્બરમે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો સંદર્ભે વાત કરતા કહ્યું હતું કે, SIR હેઠળ મતદાર યાદીમાંથી નામો દૂર કરવાથી વિજય કે પરાજય નક્કી થયો છે તેવા દાવા તથ્યહીન છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ મતદારોના નામ ખોટી રીતે દૂર થયા હોય તો તેમનો સમાવેશ થવો જ જોઈએ, પરંતુ આ બાબત ચૂંટણીના આખરી પરિણામ માટે કારણભૂત હતી તેવું તેઓ માનતા નથી. વધુમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે વિપક્ષ જો મતની હેરાફેરીના આક્ષેપો કરતો હોય તો તેણે તેના નક્કર પુરાવા આપીને તેને સાબિત કરવા પડશે.

 

CWC ની બેઠકમાં લેવાશે આગામી કાર્યવાહીનો નિર્ણય

 

ચૂંટણી પંચ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચિદમ્બરમે જણાવ્યું હતું કે, જો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો તેમની સામે આગળની વ્યૂહરચના અંગેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને 'ઈન્ડિ' ગઠબંધનની આગામી બેઠકોમાં લેવામાં આવશે. તેમણે સંકેત આપ્યા હતા કે વિપક્ષ આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે અથવા મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી હટાવવા માટે સંસદમાં મહાભિયોગ જેવો પ્રસ્તાવ પણ લાવી શકે છે.

 

(8:59 PM IST)