<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

વરિષ્ઠ નેતા શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી માઝગાંવ સ્થિત કેન્સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ડિહાઇડ્રેશન બાદ દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા હવે મુંબઈના માઝગાંવમાં 'પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલ્કર હેડ એન્ડ નેક કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા'માં શિફ્ટ કરાયા

મુંબઈ :નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી માઝગાંવ સ્થિત કેન્સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 85 વર્ષીય શરદ પવારને ગુરુવારે(26 નવેમ્બર) ડિહાઇડ્રેશન બાદ દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમને મુંબઈના માઝગાંવમાં આવેલી 'પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલ્કર હેડ એન્ડ નેક કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા'માં શિફ્ટ કરાયા છે.

શરદ પવારના પુત્રી અને NCPના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ હોસ્પિટલમાં દાખલ થવા અંગે માહિતી આપી હતી. સુલેએ જણાવ્યું કે, 'શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાને કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.' સુપ્રિયા સુલેએ પિતાની અત્યંત વ્યસ્ત દિનચર્યા અને વારંવારની મુસાફરી અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

આ દરમિયાન, શરદ પવારના પરિવાર સાથે સંકળાયેલા પક્ષના નેતા રોહિત પવારે પણ વરિષ્ઠ નેતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતાં જણાવ્યું કે, 'તેમની તબિયત સારી છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.'

શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચારથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. NCPના પ્રતિસ્પર્ધી જૂથના નેતા પ્રફુલ પટેલે ગુરુવારે હોસ્પિટલમાં શરદ પવારના હાલચાલ પૂછ્યા હતા.

(11:11 PM IST)