<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

અમેરિકામાં સનસનાટી: ઇમિગ્રેશન ઓફિસરે નિર્દોષ ડિલિવરી બોયને ગોળીએ દીધો, એક જ અઠવાડિયામાં ફેડરલ એજન્ટો દ્વારા આ બીજું મોટું એન્કાઉન્ટર!

મૈને રાજ્યના બિડેફોર્ડ શહેરમાં બનેલી કાળજું કંપાવનારી ઘટના; અસલી ટાર્ગેટના બદલે ૨૬ વર્ષના કોલમ્બિયન યુવક જોન સેબેસ્ટિયન ગુરેરો પર ચલાવી ગોળી; વ્હાલી દીકરી અને પત્નીને મૂકીને દુનિયા છોડી ગયો નિર્દોષ પિતા; માનવ અધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ

બિડેફોર્ડ (મૈને) : અમેરિકાના મૈને (Maine) રાજ્યના બિડેફોર્ડ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના એક અધિકારીએ સોમવારે એક ૨૬ વર્ષના કોલમ્બિયન યુવકને ગોળીએ દઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. માનવ અધિકાર સંગઠનો અને સ્થાનિક મીડિયા દ્વારા આ ઘટનાની ભારે નિંદા કરવામાં આવી રહી છે. સૌથી વધુ હેરાન કરનારી બાબત એ છે કે, યુએસ ફેડરલ એજન્ટો દ્વારા માત્ર એક જ અઠવાડિયાની અંદર કરવામાં આવેલું આ બીજું ઘાતક એન્કાઉન્ટર છે, જેના કારણે અમેરિકામાં કાયદો અને વ્યવસ્થા તેમજ એજન્સીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, આ ફાયરિંગનો ભોગ બનેલા કમનસીબ યુવકની ઓળખ જોન સેબેસ્ટિયન ગુરેરો (Joan Sebastian Guerrero) તરીકે થઈ છે. જોન પ્રોફેશનથી એક ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને પોતાની પત્ની તથા ત્રણ વર્ષની માસૂમ દીકરી સાથે બિડેફોર્ડમાં એક સુખી જીવન જીવી રહ્યો હતો.
અસલી ટાર્ગેટ કોઈ ઓર જ હતો: સેનેટરનો સત્તાવાર ખુલાસો
આ ઘટના અંગે આસમાની રંગના આક્રોશ વચ્ચે મૈને રાજ્યના જાણીતા સેનેટર એંગસ કિંગ (Angus King) ના પ્રવક્તાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, જે યુવકને ગોળી મારવામાં આવી છે તે ખરેખર ICE એજન્સીનું અસલી ટાર્ગેટ કે ગુનેગાર નહોતો! ઇમિગ્રેશન વિભાગ પાસે જે વ્યક્તિનું ધરપકડ વોરંટ હતું, તે કોઈ બીજી જ વ્યક્તિ હતી અને જોન સદંતર નિર્દોષ હતો.
ભાગવાનો પ્રયાસ કરતાં જ ઓફિસરે ટ્રિગર દબાવી દીધું
બીજી તરફ, આ સમગ્ર લોહિયાળ ડ્રામા અંગે સ્પષ્ટતા આપતા ICE ના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ એક વ્યક્તિના ડિપોર્ટેશન (દેશનિકાલ) ના ઓર્ડર હેઠળ તેના છેલ્લા જાણીતા સરનામા પર કડક દેખરેખ રાખી રહ્યા હતા. આ સર્વેલન્સ દરમિયાન એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ, તે વાહનના ચાલકે ત્યાંથી નાસી છૂટવાનો (Flee) પ્રયાસ કર્યો હતો. એજન્સીના જણાવ્યા મુજબ, "વાહન ઝડપથી ભાગવા જતાં જાહેર જનતાની સુરક્ષાને મોટો ખતરો હોવાનું અનુભવીને, ફરજ પરના ઓફિસરે સ્વબચાવમાં અને સુરક્ષા ખાતર પોતાની બંદૂકમાંથી ગોળીબાર કરી દીધો હતો." આ અંધાધૂંધ ફાયરિંગમાં જોનનું કરુણ મોત નીપજ્યું હતું. હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર અમેરિકામાં વસતા ઈમિગ્રન્ટ્સ અને માનવ અધિકાર કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ તેજ થઈ છે.

(6:20 PM IST)