<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

અમેરિકી રાજકારણમાં ફેલાઈ સનસનાટી! : જેરેડ કુશનરનો આઈફોન રશિયન ગુપ્તચર એજન્સી દ્વારા હેક થયાનો ઘટસ્ફોટ : ડચ જાસૂસોએ ટ્રેપ ગોઠવી મેળવી ગુપ્ત માહિતી

મધ્ય પૂર્વમાં ગુપ્ત બેંક ખાતાઓમાં કરોડો ડોલરના વ્યવહારો થયાના દાવા સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈએ અહેવાલોને સંપૂર્ણ પાયાવિહોણા અને કાલ્પનિક ગણાવ્યા

વાશિંગ્ટન  : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જેરેડ કુશનરને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેના લીધે અમેરિકાના રાજકારણમાં સનસનાટી ફેલાય ગઈ છે. એક પુસ્તકના અંશ અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, રશિયન ગુપ્તચર એજન્સી દ્વારા કુશનરના આઈફોનને હેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ડચ જાસૂસોએ એક રશિયન ઓપરેટિવને ટ્રેપ કરીને આ ફોનની સંવેદનશીલ માહિતી મેળવી હતી. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કુશનરના ફોનમાંથી મધ્ય પૂર્વમાં બે ગુપ્ત બેંક ખાતાઓની વિગતો સામે આવી છે.

ડચ જાસૂસો દ્વારા ઓપરેટિવની ફ્લિપિંગ અને સર્વર એક્સેસ:
આ ઘટના વર્ષ ૨૦૧૭ ની છે, જ્યારે ડચ સત્તાવાળાઓએ બ્રિટન જઈ રહેલા રશિયન ગુપ્તચર એજન્સી જીઆરયુ (GRU) ના એક ઓપરેટિવની ધરપકડ કરી હતી. ડચ અધિકારીઓએ તેને બ્રિટિશ જેલની સજાથી બચવા માટે પોતાની સાથે કામ કરવાનો વિકલ્પ આપ્યો હતો. આ રશિયન હૅકરે ટીમ બદલીને ડચ જાસૂસોને સંવેદનશીલ જીઆરયુ સર્વરની એક્સેસ આપી દીધી હતી, જેમાં કુશનરના આઈફોનના સ્ક્રીનશોટ્સ સંગ્રહિત હતા. વર્ષ ૨૦૧૮ સુધીમાં ડચ ગુપ્તચરોએ આ મામલો સમજીને કુશનરની પ્રવૃત્તિઓ ટ્રેક કરવાનું શરૂ કરી દીધું હતું.

ગુપ્ત બેંક ખાતાઓ અને અબજો ડોલરના વ્યવહારોના દાવા:
અહેવાલ મુજબ, કુશનરએ યુએઈ (UAE) ની ફર્સ્ટ અબુધાબી બેંકમાં 'અલ્ફા' નામના ખાતામાં લોગ ઇન કર્યું હતું, જેમાં અઝરબૈજાનની બેંકમાંથી લાખો-કરોડો ડોલર આવ્યા હતા. આ ખાતું યુએઈ શાસકના ભાઈ અને બેંકના ચેરમેન તાહ્નૂન બિન ઝાયેદની દેખરેખ હેઠળ હતું. યુએઈ અને સાઉદી અરેબિયાના શાસકો દ્વારા ટ્રમ્પ પ્રશાસનને મદદ કરવા માટે સ્લશ ફંડ ઊભું કરવાના પ્રસ્તાવ હેઠળ કુશનર માટે બે ખાતાઓમાં ઓછામાં ઓછા બે અબજ ડોલર જમા કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત 'બેટા' નામના બીજા ખાતા દ્વારા સાઉદી ક્રાઉન પ્રિન્સ દ્વારા એક અબજ ડોલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

કુશનર અને વકીલ દ્વારા આક્ષેપોનું ખંડન:
આ તમામ ગંભીર દાવાઓને ફગાવી દેતા જેરેડ કુશનરએ એક નિવેદનમાં આ અહેવાલોને સંપૂર્ણ પાગલપન અને આઉટરેજસ ફેબ્રિકેશન ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે અને લેખકે પોતાના દાવાને સમર્થન આપવા માટે કોઈ ઠોસ પુરાવા કે બેંક સ્ટેટમેન્ટ રજૂ કર્યા નથી. આ ઉપરાંત કુશનરના વકીલ ચાડ મિઝેલે પણ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવીને કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

(10:31 AM IST)