<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ચૂંટણી પંચના આંતરિક વિવાદ વચ્ચે કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવનો સનસનાટીભર્યો દાવો: "CEC જ્ઞાનેશ કુમારે મને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા અને કેન્દ્રીય મંત્રી બનવાની ઓફર આપી હતી!"

IAS અધિકારી તરીકે સેવામાં હતા ત્યારે જ્ઞાનેશ કુમારે દિલ્હી જતી ફ્લાઈટમાં પઠાણમથિટ્ટા બેઠક પરથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનો જીજી થોમસનનો ખુલાસો; રાહુલ ગાંધીએ "મેચ ફિક્સિંગ" નો લગાવ્યો આરોપ

તિરુવનંતપુરમ : ચૂંટણી પંચના નિર્ણયો અને આંતરિક વિવાદોને લઈને દેશમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જીજી થોમસનના એક ધડાકાએ રાજકારણમાં નવો ભૂકંપ સર્જ્યો છે. થોમસને સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે, જ્યારે તેઓ પોતે આઈએએસ (IAS) અધિકારી તરીકે સેવામાં હતા, ત્યારે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની ઓફર કરી હતી.

 

એક મીડિયા ઈન્ટરવ્યુમાં દાવો કરતા કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જીજી થોમસને જણાવ્યું કે, "જ્યારે હું કેરળના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે અમે બંને દિલ્હી જતી એક ફ્લાઈટમાં સાથે પ્રવાસ કરી રહ્યા હતા. તે સમયે જ્ઞાનેશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા હતા અને મને ખુલ્લેઆમ પૂછ્યું હતું કે શું હું પઠાણમથિટ્ટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે 2019ની ચૂંટણી લડવા માંગુ છું? તેમણે મને કેન્દ્રીય મંત્રી બનાવવાની પણ વાત કરી હતી, પરંતુ મેં તરત જ આ ઓફર ફગાવી દીધી હતી. ભાજપના કોઈ નેતાને બદલે એક ચાલુ IAS અધિકારી તરફથી આવી ઓફર મળવી તે મારા માટે અત્યંત આશ્ચર્યજનક હતું."

 

આ સનસનાટીભર્યા ખુલાસા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, "પહેલાં જ્ઞાનેશ કુમારનો ઉપયોગ ભાજપ માટે ભરતી કરવા માટે કરવામાં આવ્યો અને બાદમાં મોદી-શાહે તેમને ચૂંટણીમાં અમ્પાયર બનાવીને 'મેચ ફિક્સિંગ' કરવાની જવાબદારી સોંપી દીધી."

 

બીજી તરફ, ચૂંટણી પંચે આ રાજકીય વિવાદ વચ્ચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા હેઠળ દાવાઓ અને વાંધાઓ નોંધાવવાની મુદત લંબાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં હવે આ મુદત 30 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. જોકે, ભૂતપૂર્વ મુખ્ય સચિવના આ ખુલાસા બાદ વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે.

(10:29 PM IST)