હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંકીપુર પેટાચૂંટણીમાં AI અને ‘ડીપફેક’નો સનસનાટીભર્યો વિવાદ: નીતિશ કુમારના વીડિયો અંગે પ્રશાંત કિશોરના આક્રમક પડકારથી બિહારનું રાજકારણ ગરમાયું
ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં હાઇ-ડ્રામા: PK એ નીતિશ કુમારના અપીલ વીડિયોને ‘AI જનરેટેડ ફેક’ ગણાવ્યો; JDU અને BJP એ હારના ડરથી ગભરાયેલા પ્રશાંત કિશોર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી

પટણા, તા.૨૯: બિહારની અત્યંત હાઇ-પ્રોફાઇલ ગણાતી પટણાની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં એક અભૂતપૂર્વ રાજકીય વિવાદ સામે આવ્યો છે. એનડીએ (NDA) દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના ૫૮ સેકન્ડના એક ચૂંટણી અપીલ વીડિયોને જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે "AI દ્વારા બનાવાયેલો ડીપફેક-ડોક્ટરેડ વીડિયો" ગણાવીને મોટો ધમાકો કર્યો છે. આ વિવાદે મતદાનના ગણતરીના કલાકો પહેલાં જ સમગ્ર બિહારના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
પ્રશાંત કિશોરનો ખુલ્લો પડકાર અને NDAનો પલટવાર:
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પ્રશાંત કિશોરે ભાજપ અને જેડીયુ પર આકરા પ્રહાર કરતા જણાવ્યં હતું કે, "હારના ડરથી ગભરાઈ ગયેલી ભાજપે બીમાર નીતિશ કુમારનો AI-જનરેટેડ નકલી વીડિયો જાહેર કર્યો છે." પીકેએ ત્યાં સુધી સનસનાટીભર્યો પડકાર ફેંક્યો હતો કે જો ભાજપ સાબિત કરી દે કે આ વીડિયો નીતિશ કુમારે જાતે રેકોર્ડ કર્યો છે, તો તેઓ પોતાની ઉમેદવારી તુરંત પાછી ખેંચી લેશે. બીજી તરફ, JDU ના પ્રવક્તા નીરજ કુમાર અને ભાજપના નેતાઓએ આ આરોપોને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. JDU એ પ્રશાંત કિશોર સામે આ ખોટો પ્રચાર કરવા બદલ પોલીસમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે.
બાંકીપુરનું ચૂંટણી ગણિત અને ભાજપનો ગઢ:
રાજકીય વિશ્લેષકોના મતે, બાંકીપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો મજબૂત ગઢ રહી છે. ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સિંહા માટે શહેરી પટનાના કાયસ્થ, વૈશ્ય અને ઉચ્ચ વર્ગના મતદારો તેમજ બૂથ લેવલનું સંગઠન મોટો પાયો છે. આ ઉપરાંત, જો એનડીએ આ વીડિયો વિવાદનો યોગ્ય ઉપયોગ કરીને મતદારોને સમજાવવામાં સફળ રહે કે પીકે પૂર્વ મુખ્યમંત્રીનું અનાદર કરી રહ્યા છે, તો EBC અને મહિલા મતદારોનું ધ્રુવીકરણ ભાજપ તરફ થઈ શકે છે.
પ્રશાંત કિશોર માટે અસ્તિત્વની લડાઈ:
બીજી તરફ, પ્રશાંત કિશોર માટે આ પેટાચૂંટણી માત્ર એક બેઠકની લડાઈ નથી, પરંતુ તેમની નવી-નવેલી જન સૂરજ પાર્ટીના રાજકીય અસ્તિત્વ અને વિશ્વસનીયતાની પ્રથમ મોટી કસોટી છે. તેમણે બાંકીપુરના સ્થાનિક મુદ્દાઓ જેવા કે પાણી ભરાવો, ટ્રાફિક જામ અને છેલ્લા ૨૦ વર્ષના અણઘડ વહીવટને મુદ્દો બનાવીને શિક્ષિત અને મધ્યમ વર્ગના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
આ AI વીડિયો વિવાદ બાદ હવે સમગ્ર દેશની નજર બાંકીપુરના પરિણામો પર ટકેલી છે. ૩૦ જુલાઈના રોજ મતદાન યોજાશે અને ૩ ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે જ સ્પષ્ટ થશે કે જનતાએ ભાજપના ગઢ પર વિશ્વાસ મૂક્યો છે કે પછી પીકેની 'માઇન્ડ ગેમ' સફળ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
