<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

જમીન પર પડેલા નૂડલ્સમાંથી ભુજિયા બનાવવાનો સનસનાટીભર્યો ખુલાસો: વાઈ વાઈ નૂડલ્સ બનાવતી કંપનીના રાજસ્થાન સ્થિત પ્લાન્ટ પર ખાદ્ય સુરક્ષા વિભાગના દરોડા, ઉત્પાદન બંધ કરવાનો કડક હુકમ

​અજમેરના રૂપનગઢ પ્લાન્ટમાંથી ૩૨,૦૦૦ કિલોથી વધુનો અસુરક્ષિત જથ્થો અને એક્સપાયરી ડેટ થયેલા ઉત્પાદનોનો વિપુલ સ્ટોક જપ્ત; બિનોદ ચૌધરીની સીજી ફૂડ્સ સામે ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ

​નવી દિલ્હી: દેશભરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા સામે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા એક અત્યંત ચોંકાવનારી કારવાઈ કરવામાં આવી છે. ભારતમાં ખૂબ જ લોકપ્રિય 'વાઈ વાઈ' (Wai Wai) નૂડલ્સનું ઉત્પાદન કરતી નેપાળી અબજોપતિ બિનોદ ચૌધરીની કંપની સીજી ફૂડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના રાજસ્થાન સ્થિત કારખાનામાં ભારે અસ્વચ્છતા અને ગંભીર ગેરરીતિઓ ઝડપાતાં ઓથોરિટીએ ઉત્પાદન તાત્કાલિક અસરથી અટકાવી દીધું છે.

​અજમેર જિલ્લાના રૂપનગઢ ખાતે આવેલા આ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓની ટીમે અચાનક હાથ ધરેલી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ફેક્ટરીના ફ્લોર એટલે કે જમીન પર વેરવિખેર પડેલા નૂડલ્સના તૂટેલા ટુકડાઓને એકઠા કરીને, કોઈપણ જાતની હીટ-ટ્રીટમેન્ટ કે વૈજ્ઞાનિક શુદ્ધિકરણ વિના જ સીધા ભુજિયા બનાવવા માટે વાપરવામાં આવતા હતા. આ અત્યંત અસ્વસ્થ અને આરોગ્ય માટે જોખમી પ્રક્રિયા દ્વારા 'વાઈ વાઈ મામા' અને 'વાઈ વાઈ મામા પૂંટે' નામના ભુજિયા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, કંપની પાસે આ વિશિષ્ટ ભુજિયા ઉત્પાદન માટે જરૂરી વેલિડ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે, જે ફૂડ સેફ્ટી એક્ટની કલમ ૩૧(૧) નો સીધો ભંગ છે.

​દરોડા દરમિયાન અધિકારીઓને વધુ એક ગંભીર ગેરરીતિ જોવા મળી હતી, જેમાં પેકિંગ પર અગાઉની કે ખોટી તારીખો (પ્રી-ડેટેડ પ્રિન્ટિંગ) છાપીને ગ્રાહકોને ગુમરાહ કરવામાં આવતા હતા. તદુપરાંત, પ્લાન્ટમાં પેસ્ટ કંટ્રોલના યોગ્ય રેકોર્ડનો અભાવ અને સ્વચ્છતાના અન્ય અનેક ધોરણોનો અનાદર જોવા મળ્યો હતો.

​કામગીરી દરમિયાન FSSAIની ટીમે સ્થળ પરથી આશરે ૩૨,૧૦૭ કિલોગ્રામ જેટલો અસુરક્ષિત અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો સીઝ કર્યો છે. આ ઉપરાંત એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય તેવા તૈયાર ઉત્પાદનોના ૧,૯૨૫ જેટલા બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઓથોરિટી દ્વારા જમીન પરના નૂડલ્સ, વેજ ભુજિયા અને વપરાયેલા કૂકિંગ ઓઈલના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

​ફૂડ નિયામકે સ્પષ્ટ કર્યું છે કે હાલ આ કાર્યવાહી માત્ર નિયમભંગ કરનાર ચોક્કસ ભુજિયા પ્રોડક્ટ્સ અને આ પ્લાન્ટ પૂરતી મર્યાદિત છે અને તમામ નૂડલ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ વાઈ વાઈ નૂડલ્સના પણ સેમ્પલ ચકાસણી માટે લેવાયા છે. સમગ્ર દેશમાં હાલ પ્રોસેસ્ડ ફૂડ, રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય બ્રાન્ડ્સ સામે ચાલી રહેલી તપાસ ઝુંબેશના ભાગરૂપે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

(4:07 PM IST)