તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 25th June 2026
જયપુરની બબીતા ઉર્ફે ખાતિજાનો સનસનાટીભર્યો ખુલાસો: જૈશના આતંકી કમાન્ડર સાથે નિકાહ પઢવા નેપાળ થઈ પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતી, ATS એ દબોચી
હથિયારોની રીલ્સ જોઈ આતંકીઓ પ્રેમમાં પડી યુવતી; ઓનલાઈન ધર્મ પરિવર્તન કરાવી કમાન્ડર અબુ ઉબૈદાહે પાસપોર્ટ કઢાવ્યો, ભારતીય નંબરોના OTP મોકલી દેશ સાથે ગદ્દારી કરી

જયપુર, તા. 25: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી મિલિટરી ઇન્ટેલિજન્સ અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક હબરો મચાવનારી ધરપકડ કરી છે. જયપુરના સીતાપુરા વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલા બબીતા ધાકડ ઉર્ફે ખાદીજા પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડા મસૂદ અઝહરના કમાન્ડર સાથે લગ્ન કરવા માટે સરહદ પાર કરવાની ફિરાકમાં હતી. જોકે, તે નેપાળના રસ્તે પાકિસ્તાન ભાગી છૂટે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓએ તેને દબોચી લીધી છે. કોર્ટે તેને ૨૭ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે.
સોશિયલ મીડિયા પર આતંકીઓ પ્રત્યે જાગ્યો પ્રેમ
પૂછપરછ દરમિયાન બબીતાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વર્ષ ૨૦૧૮ માં લગ્ન બાદ જલ્દી જ પતિથી અલગ થયેલી બબીતા પાંચ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરની છે. ૨૦૨૫ માં પહેલગામ હુમલા પછી, તેણે જિજ્ઞાસાથી ફેસબુક પર પાકિસ્તાન અને પાકિસ્તાન શાસિત કાશ્મીરના પેજ સર્ચ કરવાના શરૂ કર્યા હતા. ત્યાં હથિયારો પ્રદર્શિત કરતી આતંકીઓની રીલ્સ અને પોસ્ટ્સ જોઈને તે મુજાહિદ્દીનો તરફ આકર્ષિત થઈ હતી. તેણે પાકિસ્તાની યુઝર્સને રેન્ડમ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું શરૂ કર્યું, જેના કારણે તે ઉગ્રવાદી નેટવર્કના સંપર્કમાં આવી હતી.
અબુ ઉબૈદાહે પ્રેમ જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યું
આ ઓનલાઈન સર્ચિંગ દરમિયાન તેનો સંપર્ક જૈશના આતંકી અબુ ઉબૈદાહ સાથે થયો હતો. અબુએ તેને ભાવનાત્મક રીતે પોતાની જાળમાં ફસાવી, ઇસ્લામ ધર્મ અપનાવવા અને નમાઝ-કુરાન પઢવા માટે પ્રેરિત કરી હતી. અબુ ઉબૈદાહે બબીતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તેને જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરવા પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું. આ ષડયંત્રના ભાગરૂપે જ આતંકીના કહેવાથી બબીતાએ પાસપોર્ટ કઢાવ્યો હતો. જોકે, પાછળથી તેને ખબર પડી કે અબુ પરિણીત છે, જેનાથી તે નિરાશ પણ થઈ હતી.
દેશ સામે ગદ્દારી: ભારતીય નંબરોના OTP પાકિસ્તાન મોકલ્યા
બબીતા માત્ર પ્રેમમાં અંધ નહોતી, પરંતુ તેણે દેશની સુરક્ષા સાથે પણ મોટો ખેલ ખેલ્યો હતો. તેણે કબૂલાત કરી છે કે તેણે પોતાના ભારતીય મોબાઈલ નંબરો પર આવતા ઓટીપી (OTP) પાકિસ્તાની હેન્ડલર્સ સાથે શેર કર્યા હતા, જેથી તેઓ તે નંબરોનો ઉપયોગ કરીને ભારતમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટ કરી શકે. તેના ફોનની તપાસમાં જૈશના વડાના નજીકના સંબંધીઓ યુસુફ અઝહર અને ભારતમાં વોન્ટેડ કારી ઝરાર સહિતના અનેક પાકિસ્તાની નંબરો અને શંકાસ્પદ ચેટ્સ મળી આવી છે.
ક્રિપ્ટોકરન્સીથી ફંડિંગ અને વિસ્ફોટકો બનાવવાની ઓનલાઈન શોધ
તપાસમાં બહાર આવ્યું છે કે બબીતા અને આતંકીઓ વચ્ચે નેપાળ, સાઉદી અરેબિયા કે દુબઈ થઈને પાકિસ્તાન પહોંચવાના રૂટ અંગે ચર્ચાઓ થઈ હતી. આ મુસાફરીના ખર્ચ માટે પાકિસ્તાનથી ક્રિપ્ટોકરન્સી દ્વારા ફંડિંગ આપવાનું નક્કી થયું હતું, જેના માટે તેણે ક્રિપ્ટો એપ્સ પણ ડાઉનલોડ કરી હતી. એટલું જ નહીં, બબીતાએ ઇન્ટરનેટ પર વિસ્ફોટકો બનાવવાની રીતો પણ સર્ચ કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવા છતાં આ મહિલાના ચહેરા પર કોઈ પસ્તાવો નથી. હાલમાં એજન્સીઓ તેના મોબાઈલના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે જેથી ભારતમાં સક્રિય અન્ય આતંકી કડીઓનો પર્દાફાશ થઈ શકે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
