<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

​ટ્વિશા શર્મા મોત કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો: જિમ્નાસ્ટિક બેલ્ટ ઓકશે હત્યાનું રહસ્ય? AIIMSનો ગૂઢ ફોરેન્સિક રિપોર્ટ CBIના હાથમાં

​ભોપાલ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી AIIMSની સ્પેશિયલ ટીમે સોંપ્યો 11 પાનાનો સીલબંધ રિપોર્ટ

​નવી દિલ્હી/ભોપાલ: દેશભરમાં ભારે ચર્ચા જગાવનારા ટ્વિશા શર્મા શંકાસ્પદ મૃત્યુ કેસમાં હવે એક એવો વળાંક આવ્યો છે જે સાસરીયા પક્ષની ઊંઘ ઉડાવી દેશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના કડક વલણ બાદ દિલ્હી AIIMS ના 5 સિનિયર ડોક્ટરોના મેડિકલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલો બીજો અત્યંત મહત્વનો ફોરેન્સિક રિપોર્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપી દેવામાં આવ્યો છે. 10 જુલાઈના રોજ સુપરત કરાયેલો આ 11 પાનાનો અહેવાલ સીલબંધ કવરમાં છે, પરંતુ તેનાથી તપાસ એજન્સીના હાથમાં ગુનાનો સૌથી મોટો પુરાવો આવી ગયો છે.

​સૌથી મોટો ધડાકો: જિમ્નાસ્ટિક બેલ્ટ પરથી મળ્યા માનવ ત્વચાના ટિશ્યુ, ગળાના ઘા સાથે થયું મેચિંગ!

​આ કેસમાં અત્યાર સુધી જે સબૂત ગાયબ કહી શકાય તેમ હતો, તે હવે વિજ્ઞાને શોધી કાઢ્યો છે. AIIMS ના હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે કે, ઘટનાસ્થળેથી મળેલા મેટલ રિંગવાળા 'જિમ્નાસ્ટિક બેલ્ટ' પરથી માનવ ત્વચાના અંશો (Skin tissues) મળી આવ્યા છે. આ સ્કીન ટિશ્યુ બીજા કોઈના નહીં પણ મૃતક ટ્વિશા શર્માના જ છે અને તેના ગળા પર જે ફાંસાના નિશાન (લિગેચર માર્ક) હતા, તેની સાથે આ ટિશ્યુ વૈજ્ઞાનિક રીતે 100% મેચ થાય છે. એટલે કે ટ્વિશાનું મોત આ જ બેલ્ટથી ગળું દબાવાને કારણે થયું હોવાની કડી મજબૂત બની છે.

​લોકલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા: પ્રથમ પોસ્ટમોર્ટમ વખતે બેલ્ટ છુપાવ્યો હોવાનો આક્ષેપ

​અહીં ઉલ્લેખનીય છે કે, ટ્વિશાનો મૃતદેહ સાસરીમાંથી લટકતી હાલતમાં મળ્યો ત્યારે સ્થાનિક પોલીસે ભારે લાલિયાવાડી કરી હતી. પ્રથમ પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોની ટીમ સમક્ષ પોલીસે આ જિમ્નાસ્ટિક બેલ્ટ રજૂ જ કર્યો નહોતો, જેથી મોત આપઘાત છે કે હત્યા તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું. પોલીસની આ શંકાસ્પદ બેદરકારી સામે ટ્વિશાના પરિવારે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે મામલાની ગંભીરતા જોઈને તાત્કાલિક બીજી તપાસ દિલ્હી AIIMS ને સોંપી અને કેસ સીબીઆઈ હવાલે કરી દીધો હતો.

​AIIMSના ફોરેન્સિક હેડ ડો. સુધીર ગુપ્તાનો દાવો: એક મહિનાની રાત-દિવસની મહેનત બાદ વૈજ્ઞાનિક મહોર

​AIIMS ના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. સુધીર ગુપ્તાના જણાવ્યા અનુસાર, તેમની ટીમે આંતરરાષ્ટ્રીય જર્નલ્સ અને લેટેસ્ટ મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પૂરા એક મહિના સુધી આ કેસ પર રિસર્ચ કર્યું છે. હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ રિપોર્ટ ગુપ્ત રખાયો છે, પણ બેલ્ટ પરથી મળેલા ટિશ્યુ કેસનો આખો પાસો પલટી નાખશે. હવે આ વૈજ્ઞાનિક પુરાવાના આધારે CBI ટૂંક સમયમાં જ શંકાના દાયરામાં રહેલા તમામ લોકોની આકરી પૂછપરછ કરીને મોટી ધરપકડ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.

(4:09 PM IST)