News of Wednesday, 25th November 2026
નાગપુરમાં રૂપિયા ૩.૭૪ કરોડની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલાયોઃ મધ્યપ્રદેશના ખેતરમાં ઘાસના ઢગલા નીચેથી રૂપિયા ૩.૨૮ કરોડની રોકડ મળી
એક હજાર જેટલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ અને મોબાઇલ લોકેશનના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી, ત્રણ ઝડપાયા, મુખ્ય આરોપીઓની શોધખોળ

નાગપુર, તા. ૨૫ : મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં રૂપિયા ૩.૭૪ કરોડની સનસનાટીભરી લૂંટના પ્રકરણમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના દોરલી માલ ગામના એક ખેતરમાં ઘાસના ઢગલા નીચે છુપાવી રાખવામાં આવેલા રૂપિયા ૩.૨૮ કરોડ પોલીસે કબજે કર્યા છે.
ગત ૧૮ નવેમ્બરે વહેલી પરોઢે દોઢ વાગ્યાના અરસામાં નાગપુરના શાંતિનગર પોલીસ મથકની હદમાં તુલસીનગર વિસ્તારમાં અનાજ અને નાણાકીય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી સુરેશ પરમારના કર્મચારીઓ ઉપર હુમલો કરીને રૂપિયા ૩.૭૪ કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી.
પોલીસે લગભગ એક હજાર સીસીટીવી કેમેરાનાં ફૂટેજ અને મોબાઇલ ફોનના લોકેશનની તપાસ કરીને આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. નાગપુરથી આશરે ૨૦૦ કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં તપાસ દરમિયાન ખેતરમાં ત્રણ પ્લાસ્ટિકના કોથળામાં છુપાવેલી રોકડ મળી આવી હતી. આ પ્રકરણમાં અરવિદ દહરવાલ, રજનીકાંત ચંદ્રવાલ અને ચંદ્રકાંત દિનેશ બઘેલની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. લૂંટની બાકીની રકમ અને મુખ્ય આરોપીઓને શોધી કાઢવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
