<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

દિશા સાલિયન મર્ડર મિસ્ટ્રીમાં સનસનાટીભર્યો વળાંક: CBI ના 'લેડી સિંઘમ' સીમા પાહુજાએ સંભાળ્યો તપાસનો દોર!

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તપાસ એજન્સીએ નોંધાઈ FIR: ઉત્તર પ્રદેશના હાથરસ-ઉન્નાવ અને કોલકાતા કાંડ ઉકેલનાર ગોલ્ડ મેડલિસ્ટ ઓફિસર મુંબઈ પહોંચ્યા

મુંબઈ : બોલીવુડ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બનેલા દિશા સાલિયનના રહસ્યમય મોતના કેસમાં બોમ્બે હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વિધિવત FIR નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી ઉકેલવાની મહત્વપૂર્ણ જવાબદારી CBI ના સિનિયર મહિલા અધિકારી સીમા પાહુજાને સોંપવામાં આવી છે. CBI ની આ એન્ટ્રીથી મહારાષ્ટ્રના રાજકારણ અને બોલીવુડ ગલિયારામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

દિલ્હીની સ્પેશિયલ ટીમ સાથે મુંબઈમાં ડેરા તંબૂ

 

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CBI ના દિલ્હી હેડક્વાર્ટરની સ્પેશિયલ ક્રાઈમ યુનિટના SP સીમા પાહુજા પોતાની ખાસ ટીમ સાથે મુંબઈ આવી પહોંચ્યા છે. તેમની સાથે તપાસ અધિકારી ડેપ્યુટી SP પૂરન કુમાર અને ફોરેન્સિક તજજ્ઞોની મોટી ફોજ જોડાઈ છે. CBI ની આ ટીમ ૮ જૂન, ૨૦૨૦ ના રોજ દિશાના મોત પહેલાં તેના મંગેતર રોહિત રોયના ઘરે આયોજિત પાર્ટીમાં હાજર રહેલા તમામ લોકોના નિવેદનો ફરીથી કડક રીતે નોંધશે.

 

દિગ્ગજ રાજકારણીઓ અને બોલીવુડ હસ્તીઓના નામોથી વિવાદ ઘેરો બન્યો

 

CBI એ દિશાના પિતા સતીશ સાલિયનની ફરિયાદ અને અરજીના આધારે પ્રાથમિક વિગતો સાથે કેસ નોંધ્યો છે. આ કેસ સાથે જોડાયેલી ચર્ચાઓમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તેમજ અભિનેતા ડીનો મોરિયા, સૂરજ પંચોલી, રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તી જેવા અનેક હાઈ-પ્રોફાઈલ નામો સામે આવી ચૂક્યા છે.

 

કોણ છે ગોલ્ડ મેડલિસ્ટ ઓફિસર સીમા પાહુજા?

 

અધિકારી સીમા પાહુજા દેશભરમાં જટિલ અને અતિ સંવેદનશીલ કેસોના આકરા ફોરેન્સિક પુરાવા શોધી કાઢવા માટે જાણીતા છે. તેમણે દેશને હચમચાવી મુકનાર ઉત્તર પ્રદેશના હાથરસ અને ઉન્નાવ કાંડ, કોલકાતાનો ૨૦૨૪નો આર. જી. કર હોસ્પિટલ કેસ તેમજ હિમાચલ પ્રદેશનો ગુડિયા રેપ અને મર્ડર કેસ જેવા ગંભીર ગુનાઓની અત્યાધુનિક ટેકનોલોજી વડે સફળ તપાસ કરી છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ ૨૦૨૧ માં તેમને કેન્દ્રીય સ્તરે 'બેસ્ટ ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર'નો ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

 

વર્ષ ૨૦૨૦ માં બનેલી આ ઘટનાને મુંબઈ પોલીસે અકસ્માત ગણાવીને ફાઈલ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૪ વર્ષથી વધુ સમય બાદ હવે CBI ના આક્રમક વલણથી દિશા સાલિયનના મોતનું સાચું સત્ય બહાર આવશે કે કેમ, તેના પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.

(6:16 PM IST)