News of Wednesday, 18th November 2026
2027 ના અંત સુધીમાં સેન્સેક્સ 95,000 પોઈન્ટ સુધી પહોંચશે: દિગ્ગજ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીની મોટી ભવિષ્યવાણી
કંપનીએ કહ્યું કે મોંઘવારી સિવાય ભારતીય અર્થતંત્રમાં કોઈ ખામી નથી અને 13 કરોડ રોકાણકારોના હિતમાં નીતિગત રાહત આપવી જોઈએ

મુંબઈ :દિગ્ગજ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ સોમવારે અનુમાન વ્યક્ત કર્યું હતું કે આગામી વર્ષ એટલે કે 2027 ના અંત સુધીમાં BSE નો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 95,000 પોઈન્ટ સુધી પહોંચી જશે. આ સાથે જ બ્રોકરેજ કંપનીએ શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને થઈ રહેલા નુકસાનને ઓછું કરવા માટે નીતિગત ઉપાયો કરવાની પણ હિમાયત કરી છે. મોર્ગન સ્ટેનલીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે મોંઘવારીને છોડી દેવામાં આવે તો ભારતીય અર્થતંત્રમાં ભાગ્યે જ કોઈ ખામી છે, અને દેશના 13 કરોડ લોકો શેરોમાં રોકાણ કરે છે તેવા સંજોગોમાં નીતિ નિર્માતાઓએ વર્તમાન ઘટનાક્રમો પર પ્રતિક્રિયા આપવાની જરૂર છે.
અમેરિકી બ્રોકરેજે એક નોટમાં જણાવ્યું હતું કે શેરના ભાવ અર્થતંત્રને દર્શાવે છે, તેથી ઘટાડાનો દોર અર્થતંત્રની ગતિને ધીમી કરી શકે છે. જોકે કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે અમે એવા દૂરગામી સુધારા જોઈ રહ્યા છીએ જે આગામી ત્રિમાસિક ગાળાઓમાં દેશનો વૃદ્ધિ દર વધારી શકે છે, અને સાથે જ નીતિ નિર્માતાઓ સીધી રીતે શેરબજારને રાહત આપવા માટે નીતિઓ પણ રજૂ કરી શકે છે. નોટમાં કહેવામાં આવ્યું છે કે ભારત ટકાઉ અને વૈવિધ્યસભર વૃદ્ધિનો લાભ આપે છે, અને AI નો પ્રભાવ ઓછો થવા અથવા ભૂ-રાજકીય પરેશાનીઓ શાંત થવા પર બજારોને તેનો ફાયદો મળશે.
અહેવાલ મુજબ, ડિસેમ્બર 2027 સુધીમાં સેન્સેક્સનું 95,000 ના સ્તરે પહોંચવું તેના વર્તમાન સ્તરથી અંદાજે 16 ટકાનો વધારો દર્શાવે છે. તેનો અર્થ એ છે કે જો આ અનુમાન સાચું સાબિત થાય, તો શેરબજારમાં રોકાણ કરનારાઓને સારું વળતર મળી શકે છે. જોકે, આ વધારો સમગ્ર બજારના સૂચકાંકના આધારે અંદાજવામાં આવ્યો છે. તેનો મતલબ એ નથી કે દરેક કંપનીના શેરમાં આટલી જ તેજી આવશે. અલગ-અલગ કંપનીઓના શેરનું પ્રદર્શન તેમની કમાણી, કારોબાર અને આર્થિક સ્થિતિના આધારે ભિન્ન હોઈ શકે છે.
મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, સેન્સેક્સ 95,000 સુધી પહોંચશે ત્યારે તેનો ટ્રેલિંગ પ્રાઈસ-અર્નિંગ્સ એટલે કે PE રેશિયો અંદાજે 23 ગણો રહેશે. આ રેશિયો દર્શાવે છે કે રોકાણકારો કોઈ કંપનીની છેલ્લા 12 મહિનાની કમાણીના દરેક 1 રૂપિયાના બદલામાં તેના શેર માટે કેટલી કિંમત ચૂકવવા તૈયાર છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપનીનો PE રેશિયો 23 ગણો હોય, તો રોકાણકારો તેની 1 રૂપિયાની વાર્ષિક કમાણી માટે 23 રૂપિયાનું મૂલ્યાંકન કરી રહ્યા છે. સેન્સેક્સનો 25 વર્ષનો ઐતિહાસિક સરેરાશ PE રેશિયો અંદાજે 22 ગણો રહ્યો છે, તેથી 23 ગણું સ્તર ઐતિહાસિક સરેરાશ કરતાં થોડું વધારે હશે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઐતિહાસિક સરેરાશ કરતાં થોડું વધારે મૂલ્યાંકન એ વાતનો સંકેત છે કે વૈશ્વિક રોકાણકારોનો ભારતના અર્થતંત્ર પર ભરોસો મજબૂત બની રહ્યો છે. રોકાણકારો ભારતના મધ્યમ ગાળાના વિકાસ ચક્ર, ઓછા બીટા (Low Beta) અને ભવિષ્યમાં મજબૂત વિકાસની સંભાવનાઓને હકારાત્મક રીતે જોઈ રહ્યા છે. ઓછા બીટાનો અર્થ એ છે કે બજારની વધઘટની સરખામણીમાં કોઈ શેર કે બજારમાં પ્રમાણમાં ઓછી હલચલ રહેવી, જેનાથી રોકાણકારોને બજારની સ્થિરતાનો સંકેત મળી શકે છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
