તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુક્તિ માટે પીટીઆઈ પક્ષનો ૨૭ સપ્ટેમ્બરની લોંગ માર્ચ મોકૂફ: હવે ૪ ઓક્ટોબરે પેશાવરથી ઇસ્લામાબાદ તરફ કૂચ શરૂ થશે

કરાચી: પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિની માગ સાથે યોજાનારો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ - પીટીઆઇ પાર્ટીનો લોંગ માર્ચ મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉ પક્ષે ૨૭ સપ્ટેમ્બરે પેશાવરથી રાજધાની ઇસ્લામાબાદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. હવે આ માર્ચ એક સપ્તાહ બાદ એટલે કે ૪ ઓક્ટોબરે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ જણાવ્યું કે પક્ષની રાજકીય સમિતિની બેઠકમાં લોંગ માર્ચની તારીખ બદલવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો. પીટીઆઈના સાથી પક્ષો અને સમર્થક સંગઠનોને પણ નવી તારીખ અંગે જાણ કરી દેવામાં આવી છે. કાર્યકરોને આ લાંબી રાજકીય લડત હોવાથી એકતા જાળવી રાખવા અને નવી તારીખ પ્રમાણે તૈયાર રહેવા જણાવાયું છે.
ઇમરાન ખાનની મુક્તિ ઉપરાંત વહેલી ચૂંટણી યોજવા અને ૯ મેની ઘટનાઓની તપાસ કરાવવાની માગ પણ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ ઇસ્લામાબાદ તરફની કૂચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ હતી અને રેન્જર્સ તહેનાત કરવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં પાંચ કે તેથી વધુ લોકોના એકત્ર થવા ઉપર પ્રતિબંધ પણ મૂકાયો હતો.
પીટીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર તારીખ બદલવામાં આવી છે, જ્યારે ઇમરાન ખાનની મુક્તિ માટેનું રાજકીય આંદોલન ચાલુ રહેશે. હવે પક્ષનું સમગ્ર ધ્યાન ૪ ઓક્ટોબરની પેશાવરથી ઇસ્લામાબાદ સુધીની કૂચ ઉપર કેન્દ્રિત થયું છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
