<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

NEET-UG પેપર લીક કેસમાં ગંભીર કાર્યવાહી: કોચિંગ સેન્ટરના સંચાલકના પુત્ર પર બે વર્ષનો પ્રતિબંધ, પરિણામ રોકાયું

CBI તપાસમાં ₹૫ લાખની લાંચ આપીને કેમિસ્ટ્રીનું પેપર મેળવ્યાનો ખુલાસો; NTA એ આરોપી શિવરાજ મોટેગાંવકરના પુત્ર આદિત્યને પરીક્ષા માટે અપાત્ર જાહેર કર્યો.

લાતુર : દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા NEET-UG પેપર લીક કેસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના લાતુરમાં પ્રખ્યાત કોચિંગ સેન્ટર ચલાવતા અને પેપર લીક કેસના મુખ્ય આરોપી શિવરાજ મોટેગાંવકરના પુત્ર આદિત્ય મોટેગાંવકર પર NTA દ્વારા બે વર્ષ માટે NEET-UG ની પરીક્ષા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેનું તાજેતરનું પરીક્ષાનું પરિણામ પણ રોકી દેવામાં આવ્યું છે.

 

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની તપાસમાં સામે આવેલાં તથ્યો અનુસાર, શિવરાજ મોટેગાંવકરે પોતાના પુત્રને ફાયદો કરાવવા માટે NTA ની પ્રશ્નપત્ર સેટ કરતી પેનલના સભ્ય પી. વી. કુલકર્ણીને કેમિસ્ટ્રી વિષયના પ્રશ્નો અગાઉથી મેળવવા માટે ₹૫ લાખની લાંચ આપી હતી. આદિત્ય કુલકર્ણીના જ કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતો હતો, જ્યાં તેને લીક થયેલા પ્રશ્નો પૂરા પાડવામાં આવ્યા હોવાનો આરોપ CBI દ્વારા મૂકવામાં આવ્યો છે. શિવરાજ મોટેગાંવકરની CBI દ્વારા અગાઉ ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

 

NTA ના આ નિર્ણય સામે આદિત્ય મોટેગાંવકરે પોતાની પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેણે પરીક્ષામાં કોઈ ગેરરીતિ આચરી નથી. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે ત્રીજી મેની પરીક્ષામાં અનિયમિતતા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં જૂનમાં યોજાયેલી પુનઃપરીક્ષાનું પરિણામ કેમ રોકી રાખવામાં આવ્યું છે? જોકે, NTA એ ગેરરીતિ બદલ તેનો ખુલાસો માગ્યો છે અને તેને આગામી બે વર્ષ માટે આ મેડિકલ પ્રવેશ પરીક્ષા આપવા માટે અપાત્ર ઘોષિત કર્યો છે.

 

(7:52 PM IST)