તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
ન્યૂ યોર્કમાં રંગભેદનો ગંભીર મામલો: પ્રોપર્ટી જોવા પહોંચેલા અશ્વેત યુગલને રિયલ એસ્ટેટ એજન્ટે ભૂલથી મોકલ્યો ‘અરે યાર, તેઓ અશ્વેત છે’ એવો મેસેજ!
મકાનમાલિકને મોકલવાનો મેસેજ ભૂલથી ગ્રાહકને મોકલાઈ જતાં ખુલાસો થયો: પીડિત દંપતીએ ન્યૂ યોર્કની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની સામે હાઉસિંગ ડિસ્ક્રિમિનેશનનો કેસ નોંધાવ્યો

ન્યૂ યોર્ક:અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાંથી જાતીય ભેદભાવ (Racism)નો એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાડેથી મકાન જોવા ગયેલા એક અશ્વેત દંપતીને રિયલ એસ્ટેટ એજન્ટની ઘોર બેદરકારી અને નફરતભરી માનસિકતાનો ભોગ બનવું પડ્યું છે. એજન્ટે મકાનમાલિક (લેન્ડલોર્ડ)ને મોકલવાનો અપમાનજનક મેસેજ ભૂલથી અશ્વેત ગ્રાહકને જ મોકલી આપતા આખો માલો બહાર આવ્યો હતો અને પીડિત મહિલા જાહેરમાં ચોધાર આંસુએ રડી પડી હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, લિસા રેની ઓલાસો (Lisa Renee Olaso) અને સિરિલ ક્રિસ્ટોફર (Cyril Christopher) નામનું અશ્વેત દંપતી ડેલેવર (Delaware) રાજ્યથી ન્યૂ યોર્ક શિફ્ટ થઈ રહ્યું હતું. આ માટે તેઓએ ન્યૂ યોર્કના ક્વીન્સ (Queens) વિસ્તારમાં આવેલા એક ફ્લેટ ભાડે રાખવા માટે ક્વીન્સના ફ્લશિંગ વિસ્તારમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી. આ ડીલ જાણીતી રિયલ એસ્ટેટ કંપની 'ડગ્લાસ એલિમેન રિયલ્ટી' (Douglas Elliman Realty)ના એજન્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવી રહી હતી.
દંપતી જ્યારે ભાડાના ઘરની મુલાકાત લેવા પોતાની કાર લઈને સ્થળ પર પહોંચ્યું, ત્યારે જ લિસાના મોબાઈલ પર એજન્ટનો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો. આ મેસેજમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું:
"Ugh. They are black…" (અરે યાર... તેઓ અશ્વેત છે...)
વાસ્તવમાં, આ મેસેજ એજન્ટે પ્રોપર્ટીના માલિકને મોકલવાનો હતો, પરંતુ ભૂલથી તે ગ્રાહક એટલે કે લિસાના નંબર પર સેન્ડ થઈ ગયો હતો.
દંપતીની પ્રતિક્રિયા અને કાનૂની પગલાં
આ અપમાનજનક મેસેજ જોતા જ લિસા અને સિરિલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લિસા આઘાતમાં સરી પડી અને કારમાં જ ચોધાર આંસુએ રડી પડી હતી. તેમણે જણાવ્યું કે, એજન્ટે રૂબરૂ મળવાને બદલે દૂર ઊભા રહીને તેનું અવલોકન કર્યું હતું અને મેસેજ મોકલ્યા બાદ જ્યારે લિસાએ તેનો વિરોધ કર્યો, ત્યારે એજન્ટે મેસેજ પાછો ખેંચવાનો (unsend કરવાનો) પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહી હતી.
આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા દંપતીએ 'ડગ્લાસ એલિમેન રિયલ્ટી', સંબંધિત એજન્ટ અને પ્રોપર્ટીના માલિકો વિરુદ્ધ ન્યૂ યોર્કની અદાલતમાં હાઉસિંગ ડિસ્ક્રિમિનેશન (આવાસ ભેદભાવ) વિરોધી કાયદા હેઠળ સત્તાવાર રીતે કેસ દાખલ કર્યો છે. પીડિતોનું કહેવું છે કે તેઓ પૈસા નથી માંગતા, પરંતુ સમાજમાંથી આ પ્રકારની ઘૃણાસ્પદ માનસિકતા અને જાતિવાદને નાબૂદ કરવા માટે તેઓ ન્યાયની લડાઈ લડી રહ્યા છે.
કંપનીની સ્પષ્ટતા
વિવાદ વકર્યા બાદ રિયલ એસ્ટેટ કંપની 'ડગ્લાસ એલિમેન' દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે કે કંપની રંગભેદ અથવા કોઈપણ પ્રકારના ભેદભાવ પ્રત્યે 'શૂન્ય સહનશીલતા' (Zero Tolerance Policy) નીતિ ધરાવે છે. સાથે જ કંપનીએ પુષ્ટિ કરી છે કે વિવાદમાં ફસાયેલી તે એજન્ટ હવે તેમની સાથે નોકરીમાં નથી.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
