તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
સ્પાઇસજેટમાં ગંભીર નાણાકીય કટોકટી: ફ્લાઇટ્સ રદ, વિમાનો ગ્રાઉન્ડેડ અને કર્મચારીઓના પગાર અટક્યા
બજેટ એરલાઇનનો કાફલો ઘટીને માત્ર ૧૨ વિમાનો સુધી સંકોચાયો, ૬૨૧ કરોડના ભારે ચોખ્ખા નુકસાનથી કામગીરી ડામાડોળ

નવી દિલ્હી : દેશની અગ્રણી બજેટ એરલાઇન સ્પાઇસજેટ (SpiceJet) હાલમાં અત્યંત ગંભીર નાણાકીય અને ઓપરેશનલ કટોકટીના તબક્કામાંથી પસાર થઈ રહી છે. વારંવાર રદ થતી ફ્લાઇટ્સ, વિમાનોની સંખ્યામાં થયેલો જંગી ઘટાડો અને વધતી જતી ચૂકવણીની જવાબદારીઓને કારણે એરલાઇનનું રોજીંદું કામકાજ ખોરવાઈ ગયું છે. દૈનિક માત્ર ૬૫ સુનિશ્ચિત સેવાઓ ચલાવવા છતાં કંપની રોજની ૧૫ થી ૨૦ ફ્લાઇટ્સ રદ કરી રહી છે, જેના કારણે ત્રણથી પાંચ કલાક સુધી રઝળ્યા બાદ મુસાફરોને ભારે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એરલાઇનની આ કટોકટી પાછળ વિમાન ભાડે આપનારાઓ (લેસર્સ), ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, એરપોર્ટ ઓપરેટરો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓના ચૂકવવાના બાકી લેણાં મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલમાં એરલાઇન 'કેશ એન્ડ કેરી' ધોરણે કામ કરી રહી હોવાથી આગોતરી ચૂકવણી વિના જરૂરી સેવાઓ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. કંપનીનો કુલ કાફલો ઘટીને માત્ર ૧૨ વિમાનો સુધી સંકોચાઈ ગયો છે, જેમાં બિન-ચૂકવણીના વિવાદોને કારણે ૩ વિમાનો ગ્રાઉન્ડેડ કરી દેવાયા છે. નાણાકીય દબાણ એટલું વિકટ છે કે કર્મચારીઓને જૂન ૨૦૨૬ થી પગાર જ મળ્યો નથી.
નાણાકીય પરિણામો પર નજર કરીએ તો, સપ્ટેમ્બર ૨૦૨૫ માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એરલાઇનને રૂ. ૬૨૧ કરોડનું ચોખ્ખું નુકસાન થયું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. ૪૫૮ કરોડ હતું. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની આવક ૧૩.૪ ટકા ઘટીને રૂ. ૭૯૨ કરોડ રહી હતી જ્યારે સંચાલન નુકસાન રૂ. ૨૯૭ કરોડ નોંધાયું હતું. વિમાનો ગ્રાઉન્ડેડ રહેવાના કારણે રૂ. ૧૨૦ કરોડ અને તેને પુનઃ સેવામાં લાવવા માટે રૂ. ૩૦ કરોડનો વધારાનો બોજ પડ્યો હતો. જોકે, આ તમામ પડકારો વચ્ચે કંપનીનું 'પેસેન્જર લોડ ફેક્ટર' ૮૪.૩ ટકા મજબૂત રહ્યું હતું અને પ્રતિ ઉપલબ્ધ સીટ કિલોમીટર આવક સુધરીને રૂ. ૪.૦૪ થઈ હતી. બીએસઈ પર કંપનીનો શેર ૦.૬૫ ટકા ઘટીને રૂ. ૭.૬૮ પર બંધ રહ્યો હતો.
અગાઉના સમયગાળામાં પણ એરલાઇન ક્ષેત્રે ગો ફર્સ્ટ અને જેટ એરવેઝ જેવી કંપનીઓ નાણાકીય કટોકટીના કારણે બંધ પડી ચૂકી છે, ત્યારે સ્પાઇસજેટની વર્તમાન સ્થિતિ પણ તે જ દિશામાં સંકેત આપી રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) અને ઉડ્ડયન મંત્રાલય દ્વારા સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. જો સ્પાઇસજેટ ટૂંક સમયમાં નવું રોકાણ લાવવામાં અથવા વિમાન ભાડાની બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો એરલાઇન સામે કાનૂની અને રેગ્યુલેટરી ધોરણે આકરા પગલાં લેવાઈ શકે છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
