તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
આરોગ્ય સાથે ગંભીર ચેડાં: મહારાષ્ટ્રમાં દૂધના નામે ઝેરનું વેચાણ, છ મહિનામાં ૨૩ કરોડ લિટરથી વધુ નકલી દૂધ બજારમાં ઠલવાયું
ધારાશિવ જિલ્લામાં ભેળસેળિયા તત્વોના નેટવર્કનો પર્દાફાશ: ૨.૩૦ લાખ કિલોથી વધુ શંકાસ્પદ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને લાખો લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકનાર ૭ આરોપીઓ ફરાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં દૂધમાં ભેળસેળનું એક અત્યંત ચોંકાવનારું અને મોટા કદનું કૌભાંડ સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ધારાશિવ જિલ્લાના ભૂમ વિસ્તારમાં કાર્યરત ભેળસેળિયા ટોળકીએ છેલ્લા છ મહિના દરમિયાન ૨૩ કરોડ લિટરથી વધુ નકલી દૂધ તૈયાર કરી તેને બજારમાં ધકેલી દીધું હોવાનો ભયાનક ખુલાસો થયો છે. સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલ રમનાર આ માફિયાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
કઈ રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભેળસેળિયા ટોળકી લાંબા સમયથી પદ્ધતિસરનું નેટવર્ક ચલાવી રહી હતી. તપાસ દરમિયાન આરોપીઓના ત્યાંથી મળી આવેલા સેલ રજિસ્ટરમાંથી જે વિગતો બહાર આવી છે તે આશ્ચર્યજનક છે. આ ટોળકી દ્વારા માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં ૨,૩૦,૪૭૦ કિલોગ્રામ જેટલા હલકી ગુણવત્તાવાળા મિલ્ક પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પાવડર અને અન્ય કેમિકલયુક્ત મિશ્રણમાંથી પ્રોસેસ કરીને નકલી દૂધ બનાવવામાં આવતું હતું, જે મોટા પાયે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
૭ આરોપીઓ સામે ગુનો, પોલીસની શોધખોળ તેજ
આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતાની સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. આ પ્રકરણમાં સંડોવાયેલા ૭ મુખ્ય આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસની રેડ પડતાની સાથે જ આ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ આદરી છે.
આ ઘટના બાદ મહારાષ્ટ્રના ડેરી ઉદ્યોગ અને દૂધના વેચાણ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. મોટી માત્રામાં કૃત્રિમ દૂધ બજારમાં ઠલવાતા સામાન્ય નાગરિકોમાં પણ ભારે રોષ અને ડરની લાગણી જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ હવે દૂધના નમૂનાઓની તપાસ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
