તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 17th September 2026
કાનપુરમાં સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી: ડોક્ટર સાહેબ કોર્ટ ગયા ને ડ્રાઈવરે ઓપીડી સંભાળી દર્દીઓને દવાઓ લખી આપી!
વાયરલ વીડિયોથી કાનપુરના તબીબી આલમમાં મચ્યો હોબાળો: અણઘડ ડ્રાઈવરે દર્દીઓને તપાસીને બહારથી દવાઓ લેવા મોકલ્યા, હોસ્પિટલ સત્તાવાળાઓએ ડોક્ટર સામે લીધા કડક પગલાં

કાનપુર, તા.૧૭: ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલી સરકારી કાંશી રામ કમ્બાઈન્ડ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાંથી આરોગ્ય તંત્રને શરમમાં મૂકે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઓપીડી (OPD) વિભાગમાં તબીબી અધિકારીની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તેમના અંગત ડ્રાઈવરે જ ડોક્ટરનો ચોગ્ગા-છગ્ગા જેવો રોલ ભજવવાનું શરૂ કરી દીધું હતું! આ ડ્રાઈવર દર્દીઓને તપાસતો, તેમની તકલીફો પૂછતો અને મેડિકલ સ્ટોરમાંથી લેવાની દવાઓની કાપલીઓ લખી આપતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ, ઈમરજન્સી મેડિકલ ઓફિસર ડો. રામકેશ એક કેસના સિલસિલામાં કોર્ટની કામગીરી માટે હોસ્પિટલ બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં તેમના 'દેવ' નામના ડ્રાઈવરે ખુદ ડોક્ટરની ખુરશી સંભાળી લીધી હતી. વીડિયોમાં દેવ નામનો આ શખસ ઓપીડીમાં આવતા દર્દીઓને લાઇનમાં બોલાવીને પેટનો દુખાવો કે અન્ય બીમારીઓ વિશે પૂછપરછ કરતો અને ગંભીરતાથી દવાઓ લખી આપતો સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે. એટલું જ નહીં, તેણે દર્દીઓને હોસ્પિટલની બહાર આવેલા ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની સલાહ પણ આપી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા અને તબીબી સેવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ સત્તાવાળાઓએ તુરંત જ સંબંધિત ડોક્ટર સામે ખુલાસો માંગતી નોટિસ ફટકારી છે. હોસ્પિટલ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દર્દીઓના જીવ સાથે રમત રમનારી આવી ગંભીર બેદરકારી સામે ભવિષ્યમાં એફઆઈઆર (FIR) સહિતના કડક કાનૂની અને શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
