<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ગંભીર PHP સુરક્ષા ખામીઓને કારણે ઇન્ટરનેટ આર્કાઇવ ઓફલાઇન થયું : વિકિપીડિયામાં પણ વૈશ્વિક સ્તરે સેવાઓ થઈ પ્રભાવિત

વિકિમિડિયા ફાઉન્ડેશન દ્વારા સુરક્ષા પેચ લાગુ કરવા માટે સાવચેતીના ભાગરૂપે સિસ્ટમ્સ અસ્થાયી રૂપે બંધ કરાઈ : હજારો યુઝર્સને એક્સેસ કરવામાં પડી મુશ્કેલીઓ

નવી દિલ્હી : બુધવાર, ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ઇન્ટરનેટ આર્કાઇવ (Internet Archive) અચાનક ઓફલાઇન થઈ ગયું હતું અને સાથે જ વિકિપીડિયા (Wikipedia) ના હજારો યુઝર્સોએ પણ સેવાઓમાં વિક્ષેપ પડવાની ફરિયાદો નોંધાવી હતી. આ વૈશ્વિક આઉટેજ પાછળ પ્રોગ્રામિંગ ભાષા PHP માં તાજેતરમાં જ સામે આવેલી ગંભીર સુરક્ષા ખામીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વિકિમિડિયા ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિકિપીડિયાનું સંચાલન કરતી વિકિમિડિયા ફાઉન્ડેશને મીડિયા સંસ્થાઓને જણાવ્યું હતું કે, વિકિપીડિયામાં સર્જાયેલી આ અડચણ PHP ની નવી સુરક્ષા ત્રુટિઓ સાથે સીધી રીતે જોડાયેલી છે. ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, સુરક્ષા પેચ (Security Patches) સફળતાપૂર્વક લાગુ ન થાય ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે કેટલીક મહત્વપૂર્ણ સિસ્ટમ્સને અસ્થાયી રૂપે ઓફલાઇન કરી દેવામાં આવી છે. આ સમસ્યા માત્ર વિકિમિડિયા પૂરતી મર્યાદિત નથી, પરંતુ PHP નો ઉપયોગ કરતી અન્ય સ્વયંસેવક સંચાલિત અને ફાઉન્ડેશનની સિસ્ટમ્સ પર પણ તેની વ્યાપક અસર જોવા મળી છે, જેથી સુરક્ષિત રીતે અપડેટ ન થાય ત્યાં સુધી સેવાઓ સ્થગિત રાખવામાં આવી છે. વિકિમિડિયાના સ્ટેટસ પેજ પર પણ આ અંગે "ઇમરજન્સી મેન્ટેનન્સ" (Emergency Maintenance) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

યુઝર્સને પડી મુશ્કેલીઓ અને ઇન્ટરનેટ આર્કાઇવનું નિવેદન:
ડાઉનડેટેક્ટર (Downdetector) ના અહેવાલો મુજબ, બુધવારે સવારે ૧૦:૫૧ વાગ્યા આસપાસ (Eastern Time) વિકિપીડિયા આઉટેજની ફરિયાદોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. માત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ૩,૦૦૦ થી વધુ ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે યુનાઇટેડ કિંગડમમાં પણ યુઝર્સોએ એક્સેસ પ્રોબ્લેમ્સનો સામનો કર્યો હતો. કેટલાક યુઝર્સને સ્ક્રીન પર "a607b0e" કોડ દર્શાવતી એરર જોવા મળી હતી, જો કે આ સમસ્યાનો સામનો તમામ યુઝર્સને કરવો પડ્યો ન હતો અને કેટલાક માટે સેવાઓ ચાલુ રહી હતી.

બીજી બાજુ, ડિજિટલ લાઈબ્રેરી અને પ્રખ્યાત 'વેબેક મશીન' (Wayback Machine) નું સંચાલન કરતી સંસ્થા ઇન્ટરનેટ આર્કાઇવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે "Archive.org હાલમાં ઓફલાઇન છે અને સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામ ચાલી રહ્યું છે." જો કે, તેમની વેબસાઇટ પર કનેક્શન ટાઇમઆઉટ જેવી સમસ્યાઓ જોવા મળી હતી, પરંતુ ઇન્ટરનેટ આર્કાઇવ દ્વારા આ આઉટેજનું ચોક્કસ કારણ સીધી રીતે PHP ની ખામીઓ સાથે જોડવામાં આવ્યું ન હતું. એક જ દિવસે બે મોટી વૈશ્વિક ડિજિટલ સંસ્થાઓમાં થયેલી આ તકલીફોએ ઇન્ટરનેટ જગતમાં સુરક્ષા અને સિસ્ટમની મજબૂતાઈ અંગે ચિંતાઓ વધારી દીધી છે.

(11:34 PM IST)