News of Saturday, 23rd May 2026
ભારતમાં સેવા એ સંસ્કાર છે, કોરોના વખતે ઉતમ અનુભવોઃ મનસુખ માંડવિયા : જુઓ વિડિયો
દેશના શ્રમ અને રોજગાર તથા યુવા પ્રવૃતિઓ અને રમતગમત વિભાગના મંત્રી અકિલાના આંગણે : રાજકોટમાં ઓદ્યોગિક ક્ષેત્રે ગતિ સાથે પ્રગતિ, યુવાનોને ઘર આંગણે જ તાલીમ અને રોજગારીની તક આપવાનો કેન્દ્રનો ઉદેશ

મનસુખભાઇ, સુસ્વાગતમ... : ભારત સરકારના શ્રમ રોજગાર અને યુવા પ્રવૃતિઓ તથા રમતગમત વિભાગના મંત્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખ માંડવિયાએ આજે અકિલા પરિવારની શુભેચ્છા મુલાકાત લેતા અકિલા પરિવારે ઉમળકાથી આવકાર્યા હતા. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મંત્રીશ્રીએ તેમના વિભાગની યુવાલક્ષી કામગીરી સહિતના વિવિધ વિષયોની વિસ્તૃત ચર્ચા કરેલ. શ્રી માંડવિયાએ અકિલાના જુદા-જુદા વિભાગો નિહાળી પ્રસન્નતા વ્યકત કરેલ. આ મુલાકાત પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે, શહેર ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ હાર્દિક બોરડ, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૨૩: ભારતના શ્રમ અને રોજગાર વિભાગ તથા યુવા પ્રવૃતિઓ અને રમતગમત વિભાગના મંત્રી તથા અકિલા પરિવાર સાથે વર્ષોથી સ્નેહનો સબંધ ધરાવતા પોરબંદર લોકસભા ક્ષેત્રના ભાજપના પ્રભાવી અને સેવાભાવી સંસદ સભ્ય ડો.મનસુખ માંડવિયાએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિવિધ વિષયોની વિસ્તૃત ચર્ચા કરેલ.
મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આપણા દેશમાં સેવાનો મહિમા વર્ણવતા જણાવેલ કે, ભાતરમાં સેવા એ સંસ્કાર છે. કોરોનાના કપરા કાળમાં ડોકટરોએ પોતાની જિંદગીની પરવા કર્યા વિના લાગણીથી દર્દીઓની સેવા કરેલ. સંખ્યાબંધ ડોકટરોએ જીવ ગુમાવ્યા હતા પણ ફરજનિષ્ઠામાં બાંધછોડ કરેલ નહિ. તબીબી ક્ષેત્રના કર્મચારીઓ, સ્વયંસેવકો વગેરેએ આપણી સંસ્કૃતિને અનુરૂપ સેવાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું.
શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટના ઉદ્યોગોની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર છે અને અહીં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. રાજકોટના વિવિધ ઉદ્યોગોમાં અનેક યુવાનોને રોજગારી મળી રહી છે. સરકારનો પ્રયાસ છે કે આવા યુવાનોને વધુ પ્રોત્સાહન મળે તેમજ ઉદ્યોગકારોને પણ નવી ભરતી માટે પ્રેરણા મળે છે.
કેન્દ્ર સરકારે આ યોજના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ કરવાની તક મળે અને તેમને તાલીમ સાથે આર્થિક સહાય પણ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ ઇન્ટર્નશિપ કરતા યુવાનોને ૧૦ હજારથી ૧૯ હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવશે.
મંત્રીશ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે રાજકોટનો ઔદ્યોગિક વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સરકારનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પોતાના ઘરઆંગણે જ રોજગારી અને તાલીમની તકો ઉપલબ્ધ કરાવવાનો છે.(૨.૨૬)
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
