તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
હોટલમાં વાસી કે ગંદુ ખાવાનું પીરસાય તો હવે ચલાવી લેવાય નહીં: FSSAIની એપ દ્વારા ઘરે બેઠા કરો ઓનલાઈન ફરિયાદ
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા 'ફૂડ સેફ્ટી કનેક્ટ' એપ થકી કડક કાર્યવાહીનો માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

નવી દિલ્હી : દેશભરમાં રેસ્ટોરન્ટો, હોટલો અને ઢાબાઓ પર ગ્રાહકોને વાસી, નબળી ગુણવત્તાવાળું કે અસ્વચ્છ ખોરાક પીરસવાની વધતી જતી ફરિયાદોને ગંભીરતાથી લઈને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી પોતાની 'ફૂડ સેફ્ટી કનેક્ટ' (Food Safety Connect) મોબાઇલ એપ્લિકેશનમાં અત્યંત ઉપયોગી 'ગ્રાહક ફરિયાદ' (Consumer Grievance)નું નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે, જેના માધ્યમથી હવે કોઈપણ નાગરિક ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે અને પોતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે અવાજ ઉઠાવી શકે છે.
આ ડિજિટલ સુવિધાની વિસ્તૃત વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું છે કે જ્યારે પણ કોઈ ગ્રાહકને હોટલ કે રેસ્ટોરન્ટમાં અનિયમિતતા કે ગંદકી જણાય, ત્યારે તેમણે એપ પર ફરિયાદ નોંધાવતી વખતે સંબંધિત ભોજનાલયનું નામ, ચોક્કસ સરનામું, બ્રાન્ડ અને જો ઉપલબ્ધ હોય તો તેમનો FSSAI લાઇસન્સ નંબર પણ અવશ્ય દર્શાવવાનો રહેશે, જેથી તંત્ર દ્વારા સચોટ માહિતીના આધારે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. અગાઉ આ એપ્લિકેશન મુખ્યત્વે નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે લાઇસન્સ મેળવવા પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે સામાન્ય જનતાના હિતને સર્વોપરી રાખીને તેને વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે.
FSSAI ની સત્તાવાર પદ્ધતિ મુજબ, આ મોબાઇલ એપ્લિકેશન કે પોર્ટલ (foodlicensing.fssai.gov.in/userportal) પર મળતી તમામ ફરિયાદોને સીધી સંબંધિત રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગ (Food Safety Department) તરફ મોકલી આપવામાં આવે છે, ત્યારબાદ ખાદ્ય નિરીક્ષકો અને અધિકારીઓ દ્વારા તે સ્થળ પર અચાનક આકસ્મિક તપાસ (Raid) કરવામાં આવે છે અને જો રસોડામાં કે ખોરાકમાં ગડબડ કે અસ્વચ્છતા સાબિત થાય તો કાયદેસરના કડક દંડ અને લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવે છે.
આગામી દિવસોમાં ખોરાક અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને FSSAI દ્વારા દેશભરમાં ચેકિંગ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે તેવી સંભાવના છે, જે ખાણીપીણીના શોખીનો અને સામાન્ય નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે એક મોટું અને સકારાત્મક પગલું સાબિત થશે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
