<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ફિનલેન્ડમાં સેટલ થવું હવે બનશે લોઢાના ચણા ચાવવા જેવું: નાગરિકતા મેળવવા માટે આપવી પડશે 'જનરલ નોલેજ'ની કઠિન પરીક્ષા

નવા ઇમિગ્રેશન નિયમો હેઠળ ફિનિશ સંસ્કૃતિ અને કાયદાનું જ્ઞાન અનિવાર્ય; રહેઠાણના સમયગાળા બાદ હવે પરીક્ષા પાસ કરનારને જ મળશે પાસપોર્ટ

હેલસિંકી, તા. 17: જો તમે પણ યુરોપના સૌથી ખુશખાલ દેશ ગણાતા ફિનલેન્ડમાં સ્થાયી થવાનું સપનું જોઈ રહ્યા છો, તો હવે તમારે થોડી વધુ મહેનત કરવી પડશે. ફિનલેન્ડ સરકારે ઇમિગ્રેશનના નિયમોમાં મોટો ફેરફાર કરતા 'સિટિઝનશિપ નોલેજ ટેસ્ટ' (નાગરિક જ્ઞાન પરીક્ષણ) દાખલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે માત્ર રહેઠાણના વર્ષો પૂરા કરવાથી નાગરિકતા નહીં મળે, પરંતુ અરજદારે ફિનલેન્ડના સમાજ, ઈતિહાસ અને કાયદા પ્રત્યેની પોતાની સમજ સાબિત કરવી પડશે.
નાગરિકતા આપમેળે નહીં મળે, કમાવી પડશે
ફિનલેન્ડના આંતરિક મંત્રી મારી રેન્ટાનેને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, "નાગરિકતા એ કોઈ આપમેળે મળતી વસ્તુ નથી, તે એકીકરણ અને મહેનતથી પ્રાપ્ત થવી જોઈએ." સરકારના મતે આ નવી પરીક્ષાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે નવા નાગરિકો ફિનલેન્ડના મુખ્ય સિદ્ધાંતો, જેવા કે માનવ અધિકાર, સમાનતા, લિંગ સમાનતા અને દેશની લોકશાહી પ્રણાલીને સારી રીતે સમજે અને તેનું સન્માન કરે.
પરીક્ષાનું સ્વરૂપ કેવું હશે?
આ કસોટી ફિનલેન્ડની બે સત્તાવાર ભાષાઓ - ફિનિશ અથવા સ્વીડિશમાં લેવામાં આવશે. જેમાં દેશના ઈતિહાસ, સંસ્કૃતિ, સામાજિક સુરક્ષા પ્રણાલી અને મૂળભૂત અધિકારોને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. જોકે, જેમણે ફિનિશ કે સ્વીડિશ ભાષામાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવી હશે તેમને આ પરીક્ષામાંથી મુક્તિ મળી શકે છે. જો સંસદ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેશે, તો આવતા વર્ષથી આ નિયમ અમલી બની જશે.
સમગ્ર યુરોપમાં કડક થતા નિયમો
માત્ર ફિનલેન્ડ જ નહીં, પરંતુ પડોશી દેશ સ્વીડન સહિતના ઘણા યુરોપિયન દેશો હાલમાં પોતાની ઇમિગ્રેશન નીતિઓ કડક બનાવી રહ્યા છે. ફિનલેન્ડમાં 2023 થી સત્તામાં આવેલી નવી સરકારે પહેલેથી જ રહેઠાણના સમયગાળામાં વધારો, ગુનાહિત રેકોર્ડની કડક તપાસ અને નાણાકીય સદ્ધરતા જેવા નિયમો લાગુ કરી દીધા છે. હવે આ નવી પરીક્ષા વિદેશી મુસાફરો અને ત્યાં વસતા લોકો માટે નાગરિકતા મેળવવાના માર્ગમાં એક નવો પડકાર બની રહેશે.
નવા નિયમની મુખ્ય વિગતો:
•    વિષયો: કાયદો, ઇતિહાસ, માનવ અધિકાર અને લિંગ સમાનતા.
•    ભાષા: ફિનિશ અથવા સ્વીડિશ ભાષાનું જ્ઞાન ફરજિયાત.
•    ઉદ્દેશ્ય: ફિનિશ સમાજ પ્રત્યે આદર અને એકીકરણ વધારવું.
•    અમલીકરણ: સંસદની મંજૂરી બાદ 2027 ના પ્રારંભથી અમલની શક્યતા.

(3:59 PM IST)