તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
યુકેમાં સ્થાયી થવું હવે 'લોઢાના ચણા ચાવવા' જેવું: કાયમી નિવાસ માટે 20 વર્ષ સુધી જોવી પડશે રાહ, બ્રિટન બનશે વિશ્વનો સૌથી કડક દેશ!
ગૃહ સચિવ શબાના મહમૂદનો માસ્ટર પ્લાન: પાંચ વર્ષનો લાયકાતનો સમયગાળો વધારીને 10 થી 20 વર્ષ કરવાની તૈયારી; અંગ્રેજીના ઉચ્ચ ધોરણો અને ક્લીન ક્રિમિનલ રેકોર્ડ હવે અનિવાર્ય

લંડન: તા.14 બ્રિટિશ સપના જોતા લાખો સ્થળાંતરિતો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. યુકે સરકાર ઇમિગ્રેશનના નિયમોમાં ધરખમ ફેરફાર કરી રહી છે, જે અંતર્ગત હવે કાયમી નિવાસ એટલે કે 'ઇન્ડેફિનાઇટ લીવ ટુ રિમેઇન' (ILR) મેળવવું અત્યંત મુશ્કેલ બની જશે. જો આ દરખાસ્તો મંજૂર થશે, તો યુકે વિશ્વના સૌથી પ્રતિબંધિત લોકશાહી દેશોની યાદીમાં મોખરે આવી જશે.
સમયમર્યાદામાં તોતિંગ વધારો
નવી દરખાસ્તો મુજબ, મોટાભાગના સ્થળાંતર કરનારાઓ માટે લાયકાતનો સમયગાળો વર્તમાન 5 વર્ષથી વધારીને સીધો 10 વર્ષ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, જે લોકો સરકારી લાભો (Benefits) પર નિર્ભર છે અથવા ઓછી કુશળતા ધરાવે છે, તેમને કાયમી ધોરણે સ્થાયી થવા માટે 20 વર્ષ સુધીની લાંબી રાહ જોવી પડી શકે છે. ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકો માટે તો આ સમય મર્યાદા 30 વર્ષ સુધી લંબાવવામાં આવી છે.
કમાણી અને ભાષાના કડક ધોરણો
માત્ર સમય જ નહીં, પરંતુ યોગ્યતાના માપદંડો પણ કડક કરવામાં આવ્યા છે:
• આર્થિક માપદંડ: અરજદારે ઓછામાં ઓછા સતત ત્રણ વર્ષ સુધી વાર્ષિક 12,570 પાઉન્ડ થી વધુ કમાણી કરવી પડશે.
• ભાષાની કસોટી: અંગ્રેજી ભાષાના ધોરણો પહેલા કરતા વધુ ઉંચા લઈ જવામાં આવશે.
• ક્રિમિનલ રેકોર્ડ: છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રેકોર્ડ એકદમ ક્લીન હોવો જોઈએ. અગાઉની 12 મહિનાની સજાની છૂટછાટ હવે નાબૂદ કરવામાં આવશે.
ડોકટરો અને નર્સોને રાહત
જોકે, બ્રિટનની આરોગ્ય સેવા (NHS) માં કામ કરતા ડોકટરો, નર્સો અને ઉચ્ચ કુશળ કામદારો માટે સારા સમાચાર છે. 125,140 પાઉન્ડથી વધુ વાર્ષિક કમાણી કરનારા અથવા ખાસ કુશળતા ધરાવતા લોકો 3 થી 5 વર્ષમાં પણ કાયમી નિવાસ માટે અરજી કરી શકશે. બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કરનારા લોકો માટે પણ 5 થી 7 વર્ષની રાહ જોવી પડશે.
ડેનિશ મોડેલથી પ્રભાવિત સરકાર
યુકે સરકારે ડેનમાર્કની કડક નીતિઓને પ્રેરણા તરીકે ટાંકી છે. સરકારનું માનવું છે કે રહેઠાણ મેળવવાની પ્રક્રિયા લાંબી અને અઘરી બનાવવાથી બિનજરૂરી સ્થળાંતર ઘટશે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આવી નીતિઓથી લોકો સમાજમાં ભળવાને બદલે એકલવાયા પડી શકે છે, જે આખરે અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
આ નવા નિયમો પાછલી અસર (Retrospectively) થી લાગુ કરવાની યોજનાને કારણે હાલમાં યુકેમાં રહેતા હજારો ભારતીયો સહિતના અન્ય વિદેશીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સંસદમાં આ મુદ્દે ભારે વિરોધ થવાની સંભાવના છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
