તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ : ૧૩ સપ્ટેમ્બરથી રાજ્યના ચાર પવિત્ર ધામોથી ‘વડનગરથી વારાણસી સેવાયાત્રા’ બાઈક રેલીનો થશે પ્રારંભ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી માહિતી
૧૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં વડનગરમાં મહાઆરતી બાદ યાત્રાના દ્વિતીય તબક્કાનું પ્રસ્થાન કરાવાશે : કળશમાં એકત્રિત પવિત્ર જળથી બાબા કાશી વિશ્વનાથનો કરાશે જળાભિષેક

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની ભવ્ય અને સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં "સેવા સંકલ્પ અભિયાન" હાથ ધરવામાં આવશે. આ અભિયાનના આગોતરા પર્વ રૂપે ૧૩ સપ્ટેમ્બરથી રાજ્યભરમાં "વડનગરથી વારાણસી સેવાયાત્રા" બાઇક રેલીનો શુભારંભ થશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૧૩ સપ્ટેમ્બરના રોજ રાજ્યના ચાર મુખ્ય પવિત્ર ધામો - ઉનાઈ માતાજી મંદિર (નવસારી), સોમનાથ, પાવાગઢ અને શામળાજી ખાતેથી આ બાઇક યાત્રાઓનો પ્રારંભ થશે. મંત્રીમંડળના સભ્યો આ યાત્રાને પ્રસ્થાન કરાવશે:
* ઉનાઈ માતાજી મંદિર (નવસારી): મંત્રી જીતુભાઈ વાઘાણી તથા મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા પ્રસ્થાન.
* સોમનાથ: મંત્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા પ્રસ્થાન.
* પાવાગઢ: રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા પ્રસ્થાન.
* શામળાજી: રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી તથા રાજ્ય મંત્રી પી. સી. બરંડા દ્વારા પ્રસ્થાન.
પ્રથમ તબક્કો અને સેવાકીય પ્રવૃત્તિઓ:
આ ચાર પવિત્ર ધામોથી નીકળેલી બાઇક યાત્રાઓ ૧૬ સપ્ટેમ્બરે વડનગર ખાતે પહોંચશે. પ્રત્યેક યાત્રામાં ૨૫ થી ૩૦ બાઇક સવાર, એક સુસજ્જ LED વાન અને એક પવિત્ર કળશ રથ જોડાશે. LED વાન મારફતે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસની ઝાંખી રજૂ કરાશે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્રિત કરાશે. આ ચાર દિવસીય યાત્રાના રૂટ પર આવતા ગામોમાં રક્તદાન કેમ્પ, વ્યાપક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવી જનહિતકારી પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો જોડાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિ અને મહાઆરતી:
વડનગર ખાતે કળશમાં એકત્રિત પવિત્ર જળથી શ્રી હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક કરાશે. ૧૭ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે ૫૦૦થી વધુ સાધુ-સંતો અને ૧૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભાવભરી મહાઆરતી યોજાશે.
બીજો તબક્કો - વડનગરથી વારાણસી પ્રયાણ:
મહાઆરતી બાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને યાત્રાના દ્વિતીય તબક્કાનો પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અલગ-અલગ ૧૦ રૂટ પર વડનગરથી વારાણસીની સેવાયાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. સાથોસાથ વારાણસીથી પણ વડનગર માટે ૧૦ કળશ યાત્રાઓ રવાના થશે. આ ૨૦ દિવસીય સેવાકીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ સંચિત કરી, વારાણસી ખાતે સમાપન સમયે બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરીને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
