<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

બાંગ્લાદેશમાં એકસાથે સાત ધમાકા: ઢાકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ અને આગચંપીથી ભારે અફરાતફરી

સમગ્ર રાજધાનીમાં હાઇ એલર્ટ; પોલીસે ૨૦૦થી વધુ સ્થળોએ નાકાબંધી કરી ૫૧૫ લોકોની ધડપકડ કરી છાવણીમાં ફેરવ્યું શહેર

ઢાકા:બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એકસાથે શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને આગચંપીના બનાવો બનતા સમગ્ર શહેરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. શહેરના માલીબાગ, મહાખલી, અગરગાંવ, જાત્રાબારી, મોઘબજાર, બાબુબજાર અને રામપુરા સહિતના સાત અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (નાના કોકટેલ બોમ્બ) વડે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિસ્ફોટના થોડા જ સમયમાં તોફાની તત્વોએ કફરુલ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરેલી એક બસમાં આગ લગાવી દીધી હતી. અચાનક થયેલા આ આતંકી કૃત્યો બાદ વહીવટીતંત્રે સમગ્ર ઢાકામાં હાઇ એલર્ટ જારી કર્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (DMP) તુરંત જ એકશન મોડમાં આવી ગઈ હતી અને સમગ્ર રાજધાનીને કડક સુરક્ષા છાવણીમાં ફેરવી દીધી હતી. જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હુમલાખોરોને પકડવા માટે પોલીસે શહેરભરમાં ૨૦૦થી વધુ સ્થળોએ ખાસ ચેકપોઇન્ટ અને નાકાબંધી ઉભી કરી છે. દરેક નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઢાકા પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં હાથ ધરાયેલા વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન ૫૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૪૭ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. વિસ્ફોટના સ્થળો પરથી પોલીસે હથિયારો, નશાકારક પદાર્થો અને પચાસથી વધુ લોખંડના ખીલા જપ્ત કર્યા છે.

પોલીસના ડિવિઝનલ આંકડાઓ અનુસાર, મીરપુર વિભાગમાંથી સૌથી વધુ ૧૨૦ લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે તેજગાંવમાંથી ૯૨, મોતીઝીલમાંથી ૭૬, વારીમાંથી ૬૪, ઉત્તરામાંથી ૪૬, ગુલશનમાંથી ૩૭, લાલબાગમાંથી ૩૪, રામનામાંથી ૩૦ અને ડિટેક્ટીવ બ્રાન્ચ (DB) દ્વારા ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ એક વ્યાપક કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ઓપરેશન છે, તેથી પકડાયેલા તમામ લોકો સીધા બોમ્બ ધમાકામાં સામેલ ન પણ હોઈ શકે. હાલ પોલીસે મુખ્ય શંકાસ્પદ આરોપીઓની ઓળખ કરી લીધી છે અને સમગ્ર ઢાકામાં ૨૪ કલાક કડક પેટ્રોલિંગ જારી રાખ્યું છે.

(6:06 PM IST)