<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ઘરના ફળિયામાંથી નીકળ્‍યા કેટલાય વાદળી ડ્રમઃ અંદર ભર્યા હતા નોટોના બંડલઃ ૬૦ કરોડ હોવાનો દાવો

એટલા રોકડા રૂપિયા મળ્‍યા કે મશીન મગાવવી પડીઃ આખી ગણતરી પૂરી થયા બાદ કુલ રકમનો સત્તાવાર આંકડો સામે આવશે

પ્રયાગરાજ તા.૩૦: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પોલીસે બારાઈપુર વિસ્‍તારના એક ઘરની અંદર જમીનમાં દબાવી રાખેલા ભારે માત્રામાં રોકડા જપ્ત કર્યા છે. આ રોકડા રૂપિયા જમીનની નીચે કેટલાય પ્‍લાસ્‍ટિકના ડ્રમમાં છુપાવીને રાખ્‍યા હતા. અધિકારીઓએ ખોદકામ કરીને અત્‍યાર સુધીમાં ૪ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે અને કુલ રકમ ૬૦ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. કહેવાય છે કે આ મામલો પુણેની એક કંપની સાથે જોડાયેલી તપાસ સાથે કનેક્‍શન છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, બરઈપુર વિસ્‍તારના રહેવાસી આરોપી થોડા વર્ષ પહેલા મહારાષ્ટ્રના પુણેમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આરોપ છે કે નોટબંધી દરમ્‍યાન તે ત્‍યાંથી કોથળા ભરીને રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. ત્‍યાર બાદ તે પોતાના ગામડે આવી ગયો અને તેણે કેટલાય વીઘા જમીન ખરીદી લીધી. બાકી રહેલા રૂપિયાને તેણે ઘરની અંદર જ જમીનની નીચે ડ્રમમાં ભરીને દાંટી દીધા.

આ રહસ્‍ય ત્‍યારે ખુલ્‍યું જ્‍યારે હાલમાં જ આરોપીને પોતાના પાડોશી અથવા સંબંધી સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. બોલાચાલી દરમ્‍યાન જમીનમાં નોટ દાંટેલી હોવાની વાત બહાર આવી અને આ વાત પોલીસ સુધી પહોંચી ગઈ. સૂચના મળતા જ ડીસીપી ગંગાનગર સોનમ કુમારના નિર્દેશ પર પોલીસની ટીમ તરત કાર્યવાહી કરવા પહોંચી ગઈ. પોલીસે બુધવાર રાતે આરોપીના ઘરને ચારે તરફથી ઘેરી લીધું અને તેની અટકાયત કરી. ત્‍યાર બાદ આરોપીની જુબાની પર ઘરના ફર્શમાં ખોદકામ કર્યું. જેવી જમીન ખોદી કે અંદરથી પ્‍લાસ્‍ટિકના ડ્રમ નીકળ્‍યા, ડ્રમની અંદર જોયું તો પોલીસકર્મીઓના પણ હોશ ઉડી ગયા. ડ્રમની અંદર નોટોના બંડલ ભરેલા હતા.

આ મામલાની ગંભીરતા જોતા પોલીસે તરત બેન્‍ક અને સંબંધિત વિભાગોની ટીમોને નોટ ગણવાની મશીન સાથે ઘટનાસ્‍થળે બોલાવ્‍યા. બુધવાર રાત સુધી લગભગ ૪ કરોડ રૂપિયાની ગણતરી પૂરી થઈ ચુકી હતી. જો કે સૂત્રોનો દાવો છે કે જો તમામ ડ્રમોની ગણતરી પૂરી થઈ તો આ કુલ રકમ ૬૦ કરોડ રૂપિયાથી વધારે નીકળી શકે છે.

ડીસીપી સોનમ કુમારે જણાવ્‍યું કે, આરોપીની ધરપકડ કરીને કડક પૂછપરછ થઈ રહી છે. નોટોની ગણતરીનું કામ હાલમાં ચાલુ છે અને આખી ગણતરી પૂરી થયા બાદ કુલ રકમનો સત્તાવાર આંકડો સામે આવશે. આ ચોંકાવનારી ઘટના બાદ આખા વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે અને ઘરની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ છે.

 

(10:01 AM IST)