<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

બિહારના જમુઈમાં શરમજનક ઘટના: કોચિંગથી પરત ફરતી ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીને રોકી અસામાજિક તત્વોના ટોળાએ કરી છેડતી, વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં

વિદ્યાર્થી સાથે જઈ રહેલી કિશોરીને રસ્તામાં ઘેરીને ખેંચી જઈ નિર્લજ્જ વ્યવહાર કર્યો: પોલીસ તંત્રે ઘટનાની ગંભીર નોંધ લઈ નોંધી એફઆઈઆર, વીડિયોના આધારે લુખા તત્વોની શોધખોળ શરૂ

જમુઈ, તા.૨૧: બિહારના જમુઈ જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક અત્યંત શરમજનક અને આંચકાજનક ઘટના સામે આવી છે. કોચિંગ ક્લાસ પતાવીને પોતાના મિત્ર સાથે સ્કૂટર પર ઘર તરફ પરત ફરી રહેલી ધોરણ-૧૦ની એક સગીર વિદ્યાર્થિની અને તેના સાથી વિદ્યાર્થીને અસામાજિક તત્વોના એક મોટા ટોળાએ રસ્તામાં રોકીને ભારે હેરાનગતિ કરી હતી. લુખ્ખાઓએ બંને સગીરોને ઘેરી લીધા હતા, વિદ્યાર્થીને માર મારીને અલગ કરી દીધો હતો અને કિશોરી સાથે અત્યંત ગેરવર્તણૂક કરીને તેને રસ્તા પર ઘસડી જવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી નિર્લજ્જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. 

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આશરે ૨૦ મિનિટ સુધી ચાલેલી આ રસ્સાખેંચ અને હેરાનગતિ દરમિયાન લુખ્ખાઓએ ગભરાયેલી વિદ્યાર્થિનીને ઘેરીને તેના નામ અને સરનામા પૂછવા મજબૂર કરી હતી. કેટલાક સ્થાનિક લોકોએ વચમાં પડીને છોકરીને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ઉદ્ધત બનેલા યુવકોએ ફરીથી તેની નજીક જઈને છેડતી ચાલુ રાખી હતી. શરૂઆતમાં સગીરો અને તેમના પરિવારો ડરના માર્યા પોલીસ સ્ટેશને પહોંચ્યા ન હતા. પરંતુ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થતાં જ જમુઈ પોલીસે જાતે સંજ્ઞાન લઈ પીડિત પરિવારનો સંપર્ક કર્યો હતો અને કાયદેસરની એફઆઈઆર (FIR) નોંધીને તપાસ હાથ ધરી હતી. 

પોલીસે વીડિયો ફૂટેજ પરથી આરોપીઓની ઓળખ પ્રક્રિયા હાથ ધરી

આ ચકચારી ઘટના અંગે માહિતી આપતાં જમુઈના એસપી વિશ્વજીત દયાલે જણાવ્યું હતું કે, સગીર વયના બાળકો સાથે બનેલી આ ઘટના અત્યંત ખેદજનક છે અને નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પોલીસે વીડિયોમાં દેખાતા તમામ યુવકોની ઓળખ ચકાસવા અને ઘટનાસ્થળની ખાતરી કરવા માટે વિશેષ ટીમ બનાવી છે. એસપીએ ઉમેર્યું હતું કે મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ આ ઘટનામાં સામેલ અન્ય તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(5:02 PM IST)