<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

નાગપુરની ગવર્નમેન્ટ ડેન્ટલ કૉલેજમાં રૅગિંગનો શરમજનક બનાવ: જુનિયર વિદ્યાર્થીઓને નિર્વસ્ત્ર કરી યુવતીઓનાં કપડાં પહેરાવ્યા, ત્રણ સિનિયર ઈન્ટર્ન્સ સામે ગુનો

નૅશનલ એન્ટિ-રૅગિંગ હેલ્પલાઈન પર ફરિયાદ બાદ અજની પોલીસે નોંધી FIR, આરોપી ઈન્ટર્ન્સને હોસ્ટેલમાં પ્રવેશવા પર પ્રતિબંધ.

નાગપુર : નાગપુરની ગવર્નમેન્ટ ડેન્ટલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં પહેલા વર્ષના ત્રણ જુનિયર વિદ્યાર્થીઓ સાથે અમાનવીય રૅગિંગ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓને નિર્વસ્ત્ર કરીને યુવતીઓનાં કપડાં પહેરવા તેમજ વાસી ખોરાક ખાવાની ફરજ પાડવા બદલ પોલીસે ત્રણ સિનિયર ઈન્ટર્ન્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ૨૬ ઑક્ટોબરે બની હતી પરંતુ તાજેતરમાં પીડિત વિદ્યાર્થીઓએ નૅશનલ એન્ટિ-રૅગિંગ હેલ્પલાઈનનો સંપર્ક સાધીને કૉલેજ પ્રશાસનને ફરિયાદ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના પગલે અજની પોલીસે રવિવારે મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઑફ રૅગિંગ ઍક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.

 

ઘટનાની વિગતવાર માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ તેમજ મેસમાં તેમની સતત સતામણી થતી હોવાનો અને શરમજનક સ્થિતિમાં ઊભા રહેવા મજબૂર કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે કૉલેજની ઈન્ટર્નલ કમિટી દ્વારા તપાસ શરૂ કરીને આરોપીઓને હોસ્ટેલમાં પ્રવેશવા સામે મનાઈ ફરમાવવામાં આવી છે.

 

ઝોનલ ડેપ્યુટી પોલીસ કમિશનર રશ્મિથા રાવે સ્પષ્ટ કર્યું હતું કે જો કૉલેજની ઈન્ટર્નલ કમિટીની તપાસના તારણોમાં વધારાના પુરાવા સામે આવશે, તો તેને પોલીસ તપાસમાં સામેલ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

ભૂતકાળમાં પણ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મેડિકલ-ડેન્ટલ કૉલેજોની હોસ્ટેલોમાં કડક કાયદાઓ હોવા છતાં જુનિયર વિદ્યાર્થીઓની સતામણી તેમજ રૅગિંગના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.

(7:13 PM IST)