તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ટાટા ગ્રુપના આંતરિક વિવાદ વચ્ચે શરદ પવાર મેદાનમાં! કહ્યું- "ટાટાના વારસા અને પરોપકારી માલિકીનું રક્ષણ કરવું એ સમયની સૌથી મોટી જરૂરિયાત"
ટાટા ટ્રસ્ટ્સના અધિકારોનું સન્માન થવું જોઈએ, નેતૃત્વ અંગેનો વિવાદ પરસ્પર સંવાદ અને 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન' મુજબ ઉકેલાવો જોઈએ: એનસીપી (એસપી) વડાની મહત્વપૂર્ણ અપીલ

મુંબઈ : ટાટા ગ્રુપના આંતરિક ગવર્નન્સ અને નેતૃત્વને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્ર અને સમગ્ર દેશના વિકાસમાં ટાટા ગ્રુપના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે ટાટા ગ્રુપની વિશ્વાસ આધારિત વિરાસત અને તેની પરોપકારી માલિકીનું રક્ષણ કરવું એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
ટાટા સન્સના બોર્ડ દ્વારા એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કરવાનો ઠરાવ પસાર કરાયા બાદ, ટાટા સન્સમાં ૬૬ ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે આ નિર્ણયને અમાન્ય ગણાવ્યો હતો. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં શરદ પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જણાવ્યું કે કંપનીના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન' અનુસાર બહુમતી શેરહોલ્ડર એવા ટાટા ટ્રસ્ટ્સ દ્વારા નામાંકિત ડિરેક્ટરોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે, જેનું સંપૂર્ણ સન્માન થવું અનિવાર્ય છે.
ચેરિટેબલ ટ્રસ્ટ્સ અને જાહેર કલ્યાણના માળખાને બચાવવા અપીલ
શરદ પવારે ઉમેર્યું કે મુંબઈ સ્થિત ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) અને એનસીપીએ (NCPA) જેવી દેશની અગ્રણી સંસ્થાઓની કામગીરી અને સ્થિરતા ટાટા ટ્રસ્ટ્સ પર નિર્ભર છે. જમશેદજી ટાટા, સર દોરાબજી ટાટા અને સર રતન ટાટાએ સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વ્યવસાયમાંથી મળતો નફો સમાજના કલ્યાણ માટે જવો જોઈએ.
તેમણે તમામ હિતધારકોને આંતરિક મતભેદો વિવાદ અથવા કાનૂની લડાઈને બદલે પરસ્પર સંવાદ અને સ્થાપિત કાનૂની પ્રક્રિયા દ્વારા ઉકેલવા આગ્રહભરી વિનંતી કરી હતી, જેથી એક સદી કરતાં વધુ જૂની આ વિશ્વાસપાત્ર સંસ્થાની પ્રતિષ્ઠા અક્ષુણ્ણ રહે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
