તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
જંતર-મંતર પર હોબાળા વચ્ચે PM મોદીને મળ્યા શરદ પવાર અને સુપ્રિયા સુલે
સંસદમાં યોજાયેલી બેઠકથી અટકળોનું બજાર ગરમઃ CJP આંદોલન વચ્ચે રાજકીય સમીકરણો બદલાવાના એંધાણ એનડીએમાં જોડાવાની રાજકીય ચર્ચાએ જોર પકડયું

નવી દિલ્હી, તા.૨૨: જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને લઈને દેશભરમાં બબાલ મચેલી છે, ત્યારે સંસદ ભવનમાંથી સામે આવેલી એક તસવીરે દેશના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે. NCP વડા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદી શરદ પવારનો હાથ ગરમજોશીથી પકડીને વાતચીત કરતા જોવા મળ્યા હતા. ચોમાસુ સત્ર દરમિયાન યોજાયેલી આ અચાનક મુલાકાતે રાજકીય ગલિયારામાં અનેક પ્રકારની અટકળોને વેગ આપ્યો છે, કારણ કે આ બેઠકનો મુખ્ય એજન્ડા હજુ સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે.
આ મુલાકાત એટલા માટે પણ ચોંકાવનારી છે કારણ કે તેના માત્ર એક દિવસ પહેલા જ શરદ પવાર અને સુપ્રિયા સુલે જંતર-મંતર પહોંચ્યા હતા. તેમણે NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું હતું. પવારે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને ઘાયલ પ્રદર્શનકારીઓની મુલાકાત લઈને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની સાથે રહેવાની ખાતરી આપી હતી.
નોંધનીય છે કે ૨૦ જૂનથી ચાલી રહેલા CJPના આ આંદોલનને અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત અને ડાબેરી પક્ષો સહિત સમગ્ર વિપક્ષનું સમર્થન મળી રહ્યું છે. ૨૦ જુલાઈના રોજ જંતર-મંતરથી સંસદ તરફની કૂચ વખતે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. એક તરફ વિપક્ષી નેતાઓ રસ્તા પર ઉતરીને સરકારને ઘેરી રહ્યા છે, તો બીજી તરફ શરદ પવારની પીએમ મોદી સાથેની આ બિન-સત્તાવાર મુલાકાતે સમગ્ર વિવાદ વચ્ચે નવા રાજકીય સમીકરણો રચાવવાના સંકેતો આપી દીધા છે. (
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
