<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં શરદ પવારનો મોટો માસ્ટરસ્ટ્રોક: વિરોધી છાવણીમાં ગાબડું પાડીને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંનેને આપ્યો રાજકીય ઝટકો

મરાઠવાડા સ્નાતક મતવિસ્તારની બેઠક પર અજિત પવાર જૂથ સામે શિવસેનાના બંને પક્ષો અને કોંગ્રેસના નેતાઓએ હાથ મિલવ્યા; ક્રોસ વોટિંગ અને અંદરખાનાના સમર્થનથી રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાયા.

છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર દિગ્ગજ નેતા શરદ પવારની રણનીતિક કુશળતાનો પરચો જોવા મળ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી વિધાન પરિષદની ચૂંટણીઓ વચ્ચે મરાઠવાડા સ્નાતક મતવિસ્તારની બેઠક પર રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. સત્તાવાર ગઠબંધનના સીમાડાઓને વટાવીને વિરોધી પક્ષોના દિગ્ગજ નેતાઓ દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના ઉમેદવારને ગુપ્ત સમર્થન આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

 

આ બેઠક મહાયુતિ ગઠબંધનમાં અજિત પવારની રાષ્ટ્રવાદી પાર્ટીના ફાળે આવી હતી, જેણે સતીશ ચવાણને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજી બાજુ, મહાવિકાસ આઘાડી તરફથી શરદ પવાર જૂથે પ્રતાપસિંહ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે શિવસેના (ઠાકરે જૂથ) તરફથી દિલીપ ઘુગે પણ રેસમાં છે. જો કે, પ્રચારના અંતિમ તબક્કામાં ખેલ ત્યારે પલટાયો જ્યારે શિવસેના (ઠાકરે જૂથ) ના ધારાસભ્ય રાહુલ પાટીલ અને શિવસેના (શિંદે જૂથ) ના પ્રભાવશાળી નેતા તથા મંત્રી અબ્દુલ સત્તાર પણ મહાયુતિના અધિકૃત ઉમેદવારના બદલે શરદ પવાર જૂથના ઉમેદવાર પ્રતાપસિંહ પાટીલના સમર્થનમાં પ્રચાર કરતા નજરે પડ્યા.

 

આશ્ચર્યજનક બાબત તો એ છે કે કોંગ્રેસ પક્ષે પણ અંદરખાને પ્રતાપસિંહ પાટીલને જ ટેકો જાહેર કરી દીધો છે. શિવસેના ઠાકરે જૂથ દ્વારા પોતાના જ પક્ષના નેતાઓની આ દોડધામ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવા છતાં, જમીની સ્તરે વિરોધી પક્ષોના ધારાસભ્યો એક જ મંચ પર ભેગા થતા અજિત પવાર જૂથની ચિંતાઓમાં મોટો વધારો થયો છે. શરૂઆતમાં અજિત પવાર જૂથના ઉમેદવાર સતીશ ચવાણની સ્થિતિ મજબૂત મનાતી હતી, પરંતુ આ અણધારી રાજકીય ગોઠવણને કારણે હવે શરદ પવાર જૂથના ઉમેદવારનું પલ્લું ભારે થતું દેખાઈ રહ્યું છે.

 

આ ઘટનાક્રમે સાબિત કરી દીધું છે કે ચૂંટણીના રસ્તે ક્યારે કોણ મિત્ર કે દુશ્મન બની જાય તેની કોઈ ખાતરી હોતી નથી. શરદ પવારની આ અદભુત રાજકીય ચાલને કારણે માત્ર અજિત પવાર જૂથ જ નહીં, પરંતુ શિંદે અને ઠાકરે છાવણીમાં પણ આંતરિક અસંતોષ ખુલીને બહાર આવી ગયો છે. ચૂંટણીના પરિણામો પહેલા જ આ બેઠકે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં આના મોટા રાજકીય પડઘા પડે તેવી પૂરી શક્યતા છે.

(7:06 PM IST)