<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

શરિયા સંસ્થાઓ કોર્ટ નથી અને તેમના ફતવા બંધનકર્તા નથી: છત્તીસગઢ હાઈકોર્ટનો મુસ્લિમ મહિલાઓના છૂટાછેડા અને વૈવાહિક દરજ્જા અંગે ઐતિહાસિક ચુકાદો!

ન્યાયાધીશ અમિતેન્દ્ર પ્રસાદની પીઠે રાયપુરની 'ઈદરા-એ-શરિયા'નો આદેશ રદ કર્યો; કહ્યું- 'દેશમાં કાયદાનું શાસન અને બંધારણ સર્વોપરી છે, કોઈ ખાનગી સંસ્થા અદાલતોની સત્તા છીનવી શકે નહીં'

રાયપુર : મુસ્લિમ મહિલાઓના અધિકારો અને કાનૂની સ્થિતિ અંગે છત્તીસગઢ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ઠરાવ્યું છે કે કોઈ પણ ખાનગી શરિયા સંસ્થા, દાર-ઉલ-કઝા કે ધાર્મિક મંડળી પાસે મુસ્લિમ મહિલાના છૂટાછેડા કે તેના વૈવાહિક દરજ્જા (Marital Status) અંગે આદેશ આપવાનો કે નિર્ણય લેવાનો કોઈ કાનૂની અધિકાર નથી. જસ્ટિસ અમિતેન્દ્ર કિશોર પ્રસાદની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે દેશમાં બંધારણીય માળખું અને કાયદાનું શાસન જ સર્વોપરી રહે છે, અને ન્યાયિક સત્તા માત્ર સંસદ કે વિધાનસભા દ્વારા સ્થાપિત અદાલતો પાસે જ હોઈ શકે.

 

શું હતો સમગ્ર મામલો?

 

આ કેસ રાયપુરની એક મુસ્લિમ મહિલા સાથે જોડાયેલો છે, જેણે પતિ સામે ત્રાસ અને ક્રૂરતા બદલ આઈપીસીની કલમ ૪૯૮A હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. તે દરમિયાન રાયપુરની 'ઈદરા-એ-શરિયા ઈસ્લામી કોર્ટ' દ્વારા જાન્યુઆરી ૨૦૨૨ માં એક સંદેશ/આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં ઘોષણા કરવામાં આવી હતી કે આ મહિલાના તેના પતિ દ્વારા 'તલાક-એ-હસન' પદ્ધતિથી છૂટાછેડા થઈ ચૂક્યા છે. આ આદેશને મહિલાએ એડવોકેટ દેવર્ષિ ઠાકુર મારફતે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

 

સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ ના ચુકાદાનો આપ્યો સંદર્ભ:

 

છત્તીસગઢ હાઈકોર્ટે ૨૦૧૪ ના સુપ્રીમ કોર્ટના 'વિશ્વ લોચન મદન' કેસના ચુકાદાનો આધાર લેતાં સ્પષ્ટ કર્યું કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા ફતવા કે નિર્ણયો કાનૂની દૃષ્ટિએ શૂન્ય છે. તેની કોઈ કાનૂની અમલવારી થઈ શકે નહીં. અદાલતે કહ્યું કે, "ધર્મ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય હોઈ શકે છે, પરંતુ કોઈ ખાનગી સંસ્થા સક્ષમ અદાલતની સત્તા ધારણ કરીને નાગરિકના કાનૂની અધિકારો કે સ્થિતિ નક્કી કરી શકે નહીં."

 

તલાક-એ-હસનની બંધારણીયતાનો પ્રશ્ન ખુલ્લો રાખ્યો:

 

હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેઓ 'તલાક-એ-હસન' બંધારણીય રીતે માન્ય છે કે નહીં તે અંગે કોઈ આદેશ આપી રહ્યા નથી, કારણ કે તે મુદ્દો હાલ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) સમક્ષ વિચારાધીન છે. જોકે, હાઈકોર્ટે શરિયા સંસ્થાના આદેશને સંપૂર્ણપણે ગેરકાનૂની અને રદબાતલ ઠેરવીને મહિલાની રિટ અરજીને આંશિક રીતે મંજૂર કરી હતી.

(8:35 PM IST)