<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

દિલ્હી યુનિ.એ વિદ્યાર્થીઓને જંતર-મંતર પર ચાલતા પ્રદર્શનથી દૂર રહેવા કહેતા શશિ થરુર ભડક્યા : કહ્યુ- ઈમરજન્સીમાં પણ અટકાવાયા નહોતા

દિલ્હી યુનિવર્સિટી (DU)એ પોતાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ માટે એડવાઈઝરી જાહેર કરી જેમાં જંતર-મંતર પરનાં પ્રદર્શનોને ગેરકાયદે ગણાવતાં તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે

નવી દિલ્હી :NEET વિવાદ અંગે દિલ્હીનાં જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાની હેઠળ થઈ રહેલ આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાઈ રહ્યાં છે. જેને જોતા દિલ્હી યુનિવર્સિટી (DU)એ પોતાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જંતર-મંતર પરનાં પ્રદર્શનોને ગેરકાયદે ગણાવતાં તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ એડવાઈઝરી બાદ માહોલ ગરમાયો છે. કોંગ્રેસ નેતા શશિ થરુરે આ એડવાઈઝરી જાહેર કરવા બદલ DUની આકરી ટીકા કરી હતી.

 

જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન મુદ્દે દિલ્હી યુનિવર્સિટીએ એડવાઈઝરીમાં લખ્યું કે- તેમની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે. જંતર-મંતર પર કોઈપણ પ્રકારનાં ગેરકાયદે પ્રદર્શન (જેની પર સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર આકરા નિયમો લાગુ છે) કે સભામાં જોડાવવા બદલ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આવી એક્ટિવિટીઝને કારણે વિદ્યાર્થીઓની વ્યક્તિગત સુરક્ષા પર જોખમ વધી શકે છે. આ ઉપરાંત તેમના અભ્યાસમાં પ્રગતિ અને કરિયર સંબંધિત તકો પર પણ ખરાબ અસર પડી શકે છે. 

 

દિલ્હી યુનિવર્સિટી તરફથી બહાર પડાયેલ એડવાઈઝરીમાં કોંગ્રેસી નેતા શશિ થરુરની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે,‘આ ઘણી ચોંકાવનારી બાબત છે. ઈમરજન્સી અગાઉ જેપી આંદોલનનાં દિવસોમાં પણ, દિલ્હી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કોઈપણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થતા અટકાવ્યા નહોતા. આ દરમિયાન સેન્ટ સ્ટીફન્સમાં મારી યુનિયન કેબિનેટના અમુક સભ્યો, જેમાં સ્વર્ગીય ચંદન મિત્રા પણ સામેલ હતા, તેમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.’ થરુરે દેશની મોટી યુનિવર્સિટી દ્વારા આવી રીતે ધમકી અપાયા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને અભિવ્યક્તિની આઝાદી પર ખરાબ અસર ગણાવી હતી.

 

(8:39 PM IST)