<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

શેખ હસીના દોષિત ભાગેડુ છેઃ હાથકડી પહેરીને જ પરત ફરવું પડશે

શેખ હસીનાના સ્‍વદેશ પરત ફરવાના એલાન પર બાંગ્‍લાદેશ સરકારનો આકરો પ્રહાર : બાંગ્‍લાદેશ પરત ફરવા માટે વિમાન એરલાઇન્‍સ અને નવા પાસપોર્ટની હસીનાની વિનંતીને તારિક રહેમાન સરકારે ફગાવી દીધી

ઢાકા, તા.૨૪: બાંગ્‍લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ આગામી ૧૬ ડિસેમ્‍બરે સ્‍વદેશ પરત ફરવાની જાહેરાત કર્યા બાદ તારિક રહેમાનના નેતળત્‍વ હેઠળની બાંગ્‍લાદેશ સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. બાંગ્‍લાદેશના વિદેશ રાજ્‍ય મંત્રી હુમાયુ કોબીરે હસીનાની સ્‍વદેશ વાપસીની ઇચ્‍છાને વાસ્‍તવિકતાથી વિપરીત ગણાવતા તેમને દોષિત ગુનેગાર અને ભાગેડુ આતંકવાદી કહ્યા હતા. કોબીરે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે શેખ હસીના કોઈ સામાન્‍ય મુસાફર નથી કે તેમને કોમર્શિયલ ફ્‌લાઇટમાં પરત ફરવાની મંજૂરી આપવામાં આવે; તેમને ફક્‍ત ભારત દ્વારા કાયદેસરના પ્રત્‍યાર્પણ હેઠળ હાથકડી પહેરીને અથવા કડક સુરક્ષા દેખરેખ હેઠળ જ બાંગ્‍લાદેશ લાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે સત્તાપલટા બાદ દિલ્‍હીમાં આશરો લઈ રહેલા શેખ હસીનાએ તાજેતરમાં બાંગ્‍લાદેશ સરકારને વિનંતી કરી હતી કે તેમના રદ કરાયેલા પાસપોર્ટ અને અન્‍ય જરૂરી દસ્‍તાવેજો ફરીથી પૂરા પાડવામાં આવે અને રાષ્‍ટ્રીય એરલાઇન બિમાન બાંગ્‍લાદેશ દ્વારા તેમના પરત ફરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે. જોકે, આંતરરાષ્‍ટ્રીય ગુના ટ્રિબ્‍યુનલના મુખ્‍ય ફરિયાદી અમીનુલ ઇસ્‍લામે આ માંગણીને અતાર્કિક ગણાવતા કહ્યું કે મળત્‍યુદંડની સજા પામેલા ભાગેડુ માટે સરકાર પરત ફરવાની વ્‍યવસ્‍થા કરે તેવી અપેક્ષા રાખવી હાસ્‍યાસ્‍પદ છે. ગયા વર્ષે બાંગ્‍લાદેશની એક કોર્ટે વિદ્યાર્થી આંદોલનને કચડી નાખવા માટે ઘાતક કાર્યવાહીનો આદેશ આપવા બદલ હસીનાની ગેરહાજરીમાં તેમને ફાંસીની સજા સંભળાવી હતી, જોકે હસીનાએ આ તમામ આરોપોને નકારી કાઢયા છે.

બાંગ્‍લાદેશમાં અવામી લીગ પક્ષ પર પ્રતિબંધ હોવા છતાં, આ મહિનાની શરૂઆતમાં હસીનાએ દસ્‍તાવેજોની માંગણી કરી ત્‍યારથી દેશમાં રાજકીય તણાવ અને હિંસાના બનાવોમાં વધારો થયો છે. બાંગ્‍લાદેશના એક મંત્રીએ આંતરરાષ્‍ટ્રીય સમાચાર એજન્‍સી રોઇટર્સને જણાવ્‍યું હતું કે હસીના જેવા બાંગ્‍લાદેશની ધરતી પર પગ મૂકશે કે તરત જ તેમની ધરપકડ કરવામાં આવશે. તેમણે વધુમાં સ્‍પષ્ટતા કરી હતી કે હસીનાને પરત લાવવા માટે વિમાન મોકલવા અંગે હાલ ભારત સરકાર સાથે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી, જેના કારણે આગામી દિવસોમાં બંને દેશો વચ્‍ચે રાજદ્વારી અને કાનૂની ગતિવિધિઓ તેજ બનવાની શકયતા છે. 

(3:25 PM IST)