<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

શેખર સુમનનો ફરી એકવાર 'રાજકીય પ્રહાર': પીએમ મોદી અને ઇટાલિયન પીએમ મેલોનીના વીડિયો પર અભિનેતાએ કર્યા આકરા કટાક્ષ

'શેખર ટુનાઇટ'માં અભિનેતાના તીખા તેવર: રૂપિયાના અવમૂલ્યનથી લઈને બેરોજગાર યુવાનોને 'વંદા' સાથે સરખાવવાના વિવાદ પર શેખર સુમને લીધી સરકારની ખબર

મુંબઈ : બોલિવૂડના જાણીતા અભિનેતા અને પ્રખર હોસ્ટ શેખર સુમન ફરી એકવાર તેમના લોકપ્રિય શો "શેખર ટુનાઇટ" દ્વારા રાજકીય ગલીઓમાં ખળભળાટ મચાવ્યો છે. શેખર સુમને તાજેતરના એપિસોડમાં દેશના વર્તમાન મુદ્દાઓ જેવા કે NEET પેપર લીક વિવાદ અને ઘટતા રૂપિયાની કિંમત પર સીધો નિશાન સાધતા સરકારની કામગીરી પર ધારદાર કટાક્ષ કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં શેખર સુમન પોતાના આગવા અંદાજમાં સરકારની નીતિઓની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.
રૂપિયા અને યુવાનોની દુર્દશા પર ધારદાર પ્રહારો
રૂપિયાના સતત થઈ રહેલા અવમૂલ્યન પર શેખર સુમને કટાક્ષ કરતા કહ્યું કે, "મોદીજીને મારી વિનંતી છે કે તમારા હાથમાં રૂપિયા લઈને એક ફોટો ખેંચાવો, કારણ કે કોણ જાણે ક્યારે રૂપિયો ગાયબ થઈ જાય!" આટલું જ નહીં, તેમણે સરકારની બદલાતી નીતિઓ પર પણ પ્રહાર કર્યો હતો. બેરોજગાર યુવાનોને કથિત રીતે 'વંદો' કહેવાના વિવાદ પર શેખર સુમનનો અવાજ વધુ આક્રોશિત બન્યો હતો. તેમણે કહ્યું કે, "આજે દેશની સિસ્ટમ સડી ગઈ છે. હવા પ્રદૂષિત છે, ખોરાક ભેળસેળવાળો છે, અને જો આ પરિસ્થિતિમાં પણ યુવાનો ટકી રહ્યા છે, તો તે ખરેખર 'વંદા' જેવા જ મજબૂત છે, કારણ કે પરમાણુ બોમ્બ પણ વંદાનો નાશ નથી કરી શકતો, તો એકાઉન્ટ બંધ કરવાથી શું થશે?"
'મોદીજી, અહીં પણ એક ઇટાલિયન મહિલા છે'
શો દરમિયાન સૌથી વધુ ચર્ચા પીએમ મોદી અને ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચેની 'મેલ્ડી' (MelDi) ચોકલેટ ઘટનાની રહી. શેખર સુમને આ પ્રસંગ પર કટાક્ષ કરતા કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે મોદીજી કોઈ ઇટાલિયન મહિલા સાથે આટલા સહજ જોવા મળ્યા છે. આ દરમિયાન તેમણે એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાના નિવેદનનો સંદર્ભ આપતા કહ્યું, "મોદીજી, અહીં દેશમાં પણ એક ઇટાલિયન મહિલા છે, તમે તેને તો ભૂલી જ ગયા!"
શેખર સુમને અટલ બિહારી વાજપેયીના કથિત પ્રતિભાવને ટાંકીને કહ્યું કે, અજાણ્યાઓ સાથે દયાળુ થવું અને પોતાના લોકો પ્રત્યે કઠોર બનવું એ નીતિ યોગ્ય નથી. ઝાલમુરી ખાવાથી લઈને મેલોની સાથે ચોકલેટ શેર કરવા સુધીની પીએમની દરેક હરકતને શેખર સુમને કટાક્ષના માધ્યમથી રજૂ કરી, જે પ્રેક્ષકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

(8:02 PM IST)