<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

મેંટ ગાલાની ચમક ફીકી પડી: રિયા કપૂરના 1.35 કરોડના કિંમતી ઈયરિંગ્સની ન્યૂયોર્ક સફર દરમિયાન ચોરી!

મુંબઈથી ન્યૂયોર્ક સુધીના પ્રવાસમાં કરોડોના દાગીના રહસ્યમય રીતે ગાયબ; એરલાઈન્સ અને હોટેલના સીસીટીવી ફૂટેજ સાથે મુંબઈ પોલીસની તપાસ તેજ

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની દીકરી અને જાણીતા ફિલ્મ નિર્માતા રિયા કપૂર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રિયા કપૂર માટે તૈયાર કરવામાં આવેલા આશરે રૂ. 1.35 કરોડની કિંમતના અત્યંત કિંમતી હીરા અને એમરલ્ડ (પન્ના) જડેલા ઈયરિંગ્સ રહસ્યમય સંજોગોમાં ચોરાઈ ગયા છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરીના મામલે મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત શખ્સ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરવામાં આવી છે.

શું હતી ઘટના?

રિયા કપૂરને ન્યૂયોર્કમાં આયોજિત પ્રતિષ્ઠિત ફેશન ઈવેન્ટ 'મેટ ગાલા 2026'માં આમંત્રણ મળ્યું હતું. આ ઇવેન્ટ માટે તેઓ પોતાની ટીમ સાથે મુંબઈથી ન્યૂયોર્ક જવા નીકળ્યા હતા. રિયાના અંગત ઉપયોગ માટે મુંબઈના પ્રખ્યાત મહેતા જ્વેલર્સ અને ગોયન્કા જ્વેલર્સ પાસેથી આ દાગીના ભાડે લેવામાં આવ્યા હતા. આ કિંમતી દાગીના સાચવવાની જવાબદારી રિયાની મેકઅપ આર્ટિસ્ટ સવલીન સિંહને સોંપવામાં આવી હતી, જે છેલ્લા સાત વર્ષથી તેમની ટીમનો હિસ્સો છે.

કેવી રીતે સામે આવ્યો ચોરીનો મામલો?

૨૭ એપ્રિલના રોજ ટીમ મુંબઈથી દુબઈ થઈને એમિરેટ્સ એરલાઈન્સ દ્વારા ન્યૂયોર્ક પહોંચી હતી. સવલીને આ બંને કિંમતી ઈયરિંગ્સ સુરક્ષિત રાખવા માટે પોતાની હેન્ડબેગમાં મૂક્યા હતા. જોકે, ૨૮ એપ્રિલે જ્યારે તેઓ ન્યૂયોર્કની હોટેલમાં પહોંચ્યા અને સામાન ખોલ્યો, ત્યારે બોક્સ અંદરથી સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યા. જે દાગીનાની કિંમત કરોડોમાં હતી, તે અચાનક ગાયબ થઈ જતાં ટીમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

પોલીસની તપાસના ચક્રો ગતિમાન

ચોરાયેલા આભૂષણોમાં મહેતા જ્વેલર્સના રૂ. 66 લાખના અને ગોયન્કા જ્વેલર્સના રૂ. 69 લાખના ઈયરિંગ્સનો સમાવેશ થાય છે. મુંબઈની સહાર પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ચોરી કયા સ્થળે થઈ—વિમાનમાં, એરપોર્ટ પર કે પછી હોટેલમાં? આ માટે પોલીસ એરલાઈન્સ, એરપોર્ટ અને હોટેલના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે તેમજ ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ બોલિવૂડ અને ફેશન જગતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

(10:41 PM IST)